નવી દિલ્હી: અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીનની માલિકીના વિવાદ પરના કેસમાં સુપ્રીમ કોર્ટે ત્રણ જજની નવી બેન્ચની રચના કરવા માટે સુનાવણી ૧૦ જાન્યુઆરી પર હવે મુકરર કરી છે. આ કેસની આગામી ૧૦ જાન્યુઆરીએ શરૂ થનારી નવેસરથી સુનાવણીમાં કેસની આગળની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
૧૦ જાન્યુઆરી પહેલાં આ કેસ માટે નવી બેન્ચની રચના કરવામાં આવશે. આજેે સવારે રામમંદિરના નિર્માણ અંગે દાખલ થયેલી વિવિધ પિટિશનો પર સુનાવણી શરૂ થઇ હતી. હવે નવી બેન્ચ જ નક્કી કરશે કે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવી જોઇએ કે નહીં. આ કેસ હાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની બેન્ચ સમક્ષ લિસ્ટેડ છે. હવે આ બેન્ચ તેને યોગ્ય બેન્ચને રિફર કરશે. નવી બેન્ચ જ તેના પર આગામી સુનાવણી નક્કી કરશે.
રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ જમીન (ટાઈટલ) વિવાદના કેસમાં દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી શરૂ કરી હતી. આ કેસ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેન્ચ સમક્ષ લિસ્ટેડ છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ એ પીઆઈએલ પર પણ સુનાવણી કરશે, જેમાં કેસમાં વિલંબ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કેસની સુનાવણીની તારીખ અને બેન્ચ પર નિર્ણય કરવાની વાત જણાવી હતી. એ જ દિવસે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસની સુનાવણી રોજેરોજ હાથ ધરાય.
ચીફ જસ્ટિસ ગોગોઈ અને જસ્ટિસ કૌલની બેન્ચ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર, ર૦૧૦ના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી ૧૪ અપીલ પર સુનાવણી માટે ત્રણ સભ્ય જજની બેન્ચ બનાવવામાં આવે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે તેના ચુકાદામાં ર.૭૭ એકર જમીનની સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલાની વચ્ચે સમાન રીતે વહેંચણી કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ર૯ ઓક્ટોબરે જણાવ્યું હતું કે આ કેસ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોગ્ય બેન્સ સમક્ષ મૂકવામાં આવશે, જે તેની સુનાવણીનો કાર્યક્રમ પણ નક્કી કરશે.
બાદમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ એક અરજી દાખલ કરીને સુનાવણીની તારીખ આગળ કરવાની વિનંતી કરી હતી પણ સુપ્રીમ કોર્ટે આ વાતનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમે જણાવ્યું હતું કે ર૯ ઓક્ટોબરે જ આ કેસની સુનાવણી અંગે ચુકાદો આપી દેવામાં આવ્યો છે.
આ અગાઉ ર૭ સપ્ટેમ્બરે તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે ર-૧ના બહુમતથી ૧૯૯૪ના એક ચુકાદામાં કરવામાં આવેલી ટિપ્પણી પાંચ જજની બેન્ચ સમક્ષ નવેસરથી વિચાર કરવા માટે મોકલવાનો ઈન્કાર કર્યો હતો. આ ચુકાદામાં એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે મસ્જિદ ઈસ્લામનું અભિન્ન અંગ નથી.
ઉલ્લેખનીય છે કે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી એવા સમયે હાથ ધરાઈ રહી છે જ્યારે લોસકભા ચૂંટણી આડે થોડા મહિના જ રહ્યા છે અને કેન્દ્રની મોદી સરકાર પર હિન્દુ સમાજ ઉપરાંત દેશના સાધુ-સંતોનું રામમંદિર નિર્માણ માટે વટહુકમ લાવવા ભારે દબાણ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ), વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને બજરંગદળ સહિતના સંગઠનો એકથી વધુ વખત મંદિર નિર્માણ માટે સરકારને ચીમકી આપી ચૂક્યા છે, પરંતુ સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહી છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રામમંદિર માટે વટહુકમ લાવવામાં આવશે નહીં. આ અંગેનો નિર્ણય કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ જ લેવામાં આવશે.