ખોટી રીતે જીએસટી નંબર મેળવી ઇ વે બીલનો દૂરૂપયોગ કરીને તિજારીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડાયું હતું
અમદાવાદ, તા.૨૧
જામનગર, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં જુદી જુદી પેઢીઓ અને કંપનીઓના નામે બંધ હાલતમાં ધંધાના સ્થળ હોય તો પણ તેના નામે ખોટી રીતે જીએસટી નંબર મેળવી ઇ વે બીલનો દૂરપયોગ કરી સરકારી તિજારીને મોટાપાયે નુકસાન થાય તે પ્રકારના રૂ.૨૨૦ કરોડના ટ્રાન્ઝેકશન પ્રકરણમાં અને રૂ.દસ કરોડની જીએસટી ચોરીના કેસમાં ૬૨ વર્ષીય વૃધ્ધ આરોપી દિલીપ મોહનભાઇ સેજપાલને ગુજરાત હાઇકોર્ટે રૂ. દસ હજારના શરતી જામીન પર મુકત કરવાનો મહત્વનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન આરોપીપક્ષ તરફથી પ્રસ્તુત કેસમાં જીએસટી સત્તાવાળાઓ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદની વિગતો કે હકીકતો સ્પષ્ટ થતી નથી અને તેથી તેમાં કોઇ તથ્ય નહી હોવાની દલીલને ગ્રાહ્ય રાખીને દિલીપ સેજપાલના જામીન મંજૂર કર્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારે ચકચાર જગાવનારા રૂ.૨૨૦ કરોડના ટ્રાન્ઝેકશન કેસમાં આરોપી દિલીપ સેજપાલ દ્વારા કરાયેલી જામીન અરજીમાં એડવોકેટ ગીરીશ રામક્રિશ્નન અને એડવોકેટ રોહિણી આચાર્યએ જણાવ્યું હતું કે, જામનગરના આસીસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ યુનિટમાં સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાયદાની કલમ-૧૩૨(૧)(એ)(બી)(સી)અને (ડી) હેઠળ આ કેસમાં ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં વેદાંત એન્ટરપ્રાઇઝ, પરિમલ એન્ટરપ્રાઇઝ, પેરેડાઇઝ એન્ટરપ્રાઇઝ, કલાસીક, સમર્થ એન્ટપ્રાઇઝ સહિતની જુદી જુદી પેઢીઓ-કંપનીઓ નામે ધંધાનું સ્થળ બંધ હાલતમાં હોવાછતાં ખોટી રીતે જીએસટી નંબર મેળવી તેના મારફતે ઇ વે બીલનો દૂરપયોગ કરી ગેરકાયદે ટ્રાન્ઝેકશન કરી સરકારી તિજારીને કરોડો રૂપિયાના નુકસાનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અરજદારપક્ષ તરફથી એડવોકેટ ગીરીશ રામક્રિશ્નન અને એડવોકેટ રોહિણી આચાર્યએ હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, અરજદાર દિલીપ મોહનભાઇ સેજપાલની સમગ્ર કેસમાં કોઇ સીધી જવાબદારી કે સંડોવણી બનતી નથી, તપાસનીશ એજન્સીએ તેમની પર માત્ર મદદગારીનો આરોપ લગાવ્યો છે પરંતુ વાસ્તવમાં તેમની વિરૂધ્ધ આરોપ મુજબનો કોઇ પ્રથમદર્શનીય કેસ બનતો નથી. સૌથી મહત્વની વાત એ છે કે, આ સમગ્ર કેસમાં તપાસનીશ એજન્સીની ફરિયાદ જ અસ્પષ્ટ અને વિરોધાભાસી અને શંકા ઉપજાવે તેવી ફલિત થાય છે., તે જાતાં પણ અરજદાર વિરૂધ્ધ હાલના તબક્કે કોઇ પ્રથમદર્શનીય ગુનો બનતો નહી હોઇ હાઇકોર્ટે તેમના જામીન મંજૂર કરવા જાઇએ. વળી, આરોપી ૬૨ વર્ષીય વૃધ્ધ છે અને કયાંય નાસી ભાગી જાય તેમ નથી.
નોંધનીય વાત એ છે કે, તપાસનીશ એજન્સીએ સમગ્ર કેસમાં આશરે દોઢ વર્ષ બાદ વિલંબિત રીતે ફરિયાદ દાખલ કરી છે, તેથી પણ અરજદારને જામીન મળવાપાત્ર થાય છે. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે અરજદાર વૃધ્ધને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો.