–3,250 કરોડની લોનના કેસમાં CBIએ વિડિયોકોન અને એનયુપાવરના જુદા જુદા ઠેકાણા પર દરોડા પાડ્યા
સીબીઆઇએ આઇસીઆઇસીઆઇના પૂર્વ સીઇઓ ચંદા કોચર અને વીડિયોકોનને લોનના કેસમાં એફઆઇઆર દાખલ કરી છે. સીબીઆઈની એફઆઈઆરમાં ચંદા કોચર અને પતી દિપક કોચરને આરોપી તરીકે દર્શાવાયા છે. મુંબઇ અને મહારાષ્ટ્રની વિવિધ ચાર જગ્યાઓ પર સીબીઆઇના દરોડા ચાલી રહ્યા છે. આ જ ક્રમમાં સીબીઆઇએ વિડિયોકોનના નરિમન પોઇન્ટ સ્થિત મુખ્યાલય પર પણ દરોડા પાડ્યા છે. સીબીઆઇ આ દરોડામાં વીડિયોકોન ગ્રૂપને 2012માં આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી મળેલી 3,250 કરોડની લોનના મામલે સીબીઆઈએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉ ચંદા કોચરે 4 ઓક્ટોબર, 2018માં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બેન્કના બોર્ડે તેમના કાર્યકાળ સમાપ્ત થયા પહેલા જ પદ છોડવાની માંગને સ્વીકારીને તેમની જગ્યાએ સંદિપ બક્ષીને નવા મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝુક્યુટિવ ઓફિસર બનાવ્યા હતા.
શું છે ઘટના ?
આ સમગ્ર મામલો વિડિયોકોન ગ્રુપ દ્વારા 2012માં આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી 3,250 કરોડ રૂપિયાની લોનનો છે. આ લોન કુલ 40 હજાર કરોડ રૂપિયાનો ભાગ છે જેમાં વિડિયોકોન ગ્રુપ દ્વારા એસબીઆઇના નેતૃત્વમાં 20 બેન્કો પાસેથી લેવામાં આવી હતી. વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત પર આરોપ છે કે, તેમણે 2010માં 64 કરોડ રૂપિયા એનયુપાવર રીન્યુએબલ્સ લિમિટેડ(એનઆરપીએલ) આપ્યા હતા. આ કંપની ધૂત, દિપક કોચર અને બીજા બે અન્ય સંબંધીઓ દ્વારા સ્થાપવામાં આવી હતી.
એવા પર આરોપ છે કે, ચંદા કોચરના પતિ દીપક કોચર સહિત તેમના પરિવારના સભ્યોને લોન મેળવનારાઓ તરફથી નાણાંકીય લાભ આપવામાં આવ્યા છે. આઇસીઆઇસીઆઇ બેન્ક પાસેથી લોન મળ્યાના 6 માસ બાદ ધૂતે કંપનીના માલિક દીપક કોચરના એક ટ્રસ્ટમાં 9 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.