વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૧૯: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન

0
124
PM Narendra Modi inaugurates global trade show at Vibrant Gujarat Summit
PM Narendra Modi inaugurates global trade show at Vibrant Gujarat Summit
Prime Minister Narendra Modi on Thursday arrived in Gujarat’s Gandhinagar where he inaugurated Vibrant Gujarat Global Trade Show.

# મેઇક ઇન ઇન્ડિયા, એમ.એસ.એમ.ઇ. સહિત વિવિધ પેવેલીયનોની મુલાકાત લેતા વડાપ્રધાન
# મહાત્મા અને આફ્રિકન પ્રદર્શન ટ્રેડ શોમાં અનેરૂ આકર્ષણ : તા.૧૯ જાન્યુઆરીના રોજ આફ્રિકા દિવસની ઉજવણી કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં દેશનો સૌથી વિશાળ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુક્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્ય મંત્રી મંડળના તમામ સભ્યો સહિત દેશ-વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીચ ઓન કરીને અને તક્તીનું અનાવરણ કરીને ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુક્યો હતો. શુભારંભ કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મેઇક ઇન ઇન્ડિયા’ અને જાહેર સાહસોના પેવેલિયન તથા એમ.એસ.એમ.ઇ. (મધ્યમ, નાના અને લઘુ ઉદ્યોગો) ના પેવેલિયનની મુલાકાત લીધી હતી.

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મોરક્કોના ઉદ્યોગ, મૂડી રોકાણ, વેપાર અને અર્થવ્યવસ્થા મંત્રી સુ રાકીયા એડરહામ, રિપબ્લિક ઓફ માલ્ટાના અર્થવ્યવસ્થા, મૂડી રોકાણ અને લઘુ વ્યાપાર મંત્રી ડૉ. ક્રિસ્ટીન કાર્ડોના, જાપાનના અર્થ વ્યવસ્થા, વેપાર અને ઉદ્યોગ મંત્રી  યોશીહીકો આઇઝોસ્કી, અઝરબૈજાનના અર્થવ્યવસ્થાના નાયબ મંત્રી શ્રીમાન સાહીબ મામ્મદોવ, થાઇલેન્ડના નાયબ વાણિજ્ય મંત્રી સુ ચતીમા બુન્ચપ્રફાસારા, યુનાઇટેડ આરબ અમીરાતના ક્લાયમેન્ટ ચેન્જ અને પર્યાવરણ મંત્રી શ્રીયુત ડૉ. થાની અલ ઝિયાઉદ્દી એ ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત લીધી હતી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ અંતર્ગત યોજાયેલ ગ્લોબલ ટ્રેડ શોના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડોમ નંબર-૧માં ‘‘ઓટોમોબાઇલ, ઈ-વ્હિકલ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ’’ વિષયક ઇન્ટરનેશનલ એન્ડ નેશનલ થીમ પેવેલિયનની મુલાકાત લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીના સીઈઓ- ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કર્યો હતો.

આ પેવેલિયનમાં મારુતિ સુઝુકી, હોન્ડા, જેટ્રો તેમજ યુનાઇટેડ આરબ અમીરાત, ઉઝબેકિસ્તાન, પોલેન્ડ, હોલેન્ડ, નોર્વે અને તાઇવાન તેમજ ભારતમાં રોકાણ માટેની વિવિધ તકો દર્શાવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટોલર્સનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્લોબલ ટ્રેડ શો માં આફ્રિકા-પેવેલિયનની મુલાકાત લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અંદાજે ૨૨૦૦ ચોરસ મીટર ક્ષેત્રફળ વિસ્તારમાં આફ્રિકન અને ભારતીય કંપનીઓ એમની અરસપરસતા રસ ધરાવતા ઉત્પાદનોને પ્રદર્શિત કરી શકે એ માટે એક વિશિષ્ટ આફ્રિકા પેવેલિયન ઉભુ કરવામાં આવ્યુ છે જેમાં આફ્રિકન ૫૪ દેશો પૈકીના ૩૨ આફ્રિકન રાષ્ટ્રો જોડાયા છે.

આફ્રિકન પેવેલિયનમાં મહાત્મા અને આફ્રિકા પ્રદર્શને અનેરૂ આકર્ષણ ઉભું કર્યુ છે. આ પેવેલિયનમાં ગાંધી ચરખો તેમજ આફ્રિકામાં પૂ.ગાંધીજીને થયેલ જેલવાસની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ બે દાયકાથી વધુ નિવાસ કર્યો હતો. આ બે દાયકા ઉપરાંતના ગાંધીજીના જીવનના ઘટનાક્રમનું અવલોકન કરીએ તો મેકિંગ ઓફ મહાત્માની દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર ગાંધીજીએ શાસકો સામે લડત આપવા સારૂ સત્યાગ્રહની ચાવી શોધી હતી. આશ્રમ જીવનના પાયા પણ દક્ષિણ આફ્રિકામાં જ નંખાયા હતા. કેળવણીના પ્રયોગો સારુ દક્ષિણ આફ્રિકાની ભૂમિ નિમિત્ત બની હતી.

મોહનલાલ કરમચંદ ગાંધી આ જ વર્ષોમાં ગાંધી તરીકે ઓળખાયા અને તેમની ખ્યાતિ દેશ વિદેશ સુધી પહોંચી. મોહનમાંથી મહાત્મા બનવાના બીજ પણ પરદેશની ભૂમિ પર વવાયાં હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, આફ્રિકન દેશોના વડીલો સહિત મંત્રી મંડળના સદસ્યોએ આફ્રિકન પેવેલીયનની મુલાકાત લઇ પ્રદર્શન નિહાળ્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ દરમિયાન તા.૧૯/૧/૧૯ના રોજ આફ્રિકન દિવસની પણ ઉજવણી કરવામાં આવનાર છે.

 દેશ-વિદેશના જાણીતા ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓમાં જાપાનના સુઝુકી કોર્પોરેશનના પ્રેસીડેન્ટ  તોશીરો સુઝુકી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગૃપ પ્રેસીડેન્ટ  પરિમલ નાથવાણી, નાયરા એનર્જીના  બી.આનંદ, નિરમાના મેનેજીંગ ડિરેક્ટર  હિરેન પટેલ, ટોરેન્ટ પાવર લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર  જીનલ પટેલ, અરવિંદ લિમિટેડના ચેરમેન  સંજય લાલભાઇ, મુખ્ય સચિવ  ડૉ. જે.એન.સિંઘ, મુખ્ય અગ્ર સચિવ  કે. કેલાશનાથન, પ્રધાનમંત્રી કાર્યાલયના અધિક સચિવ  એ.કે.શર્મા તથા ગ્લોબલ ટ્રેડ શોના કો-ઓર્ડીનેટર અને અગ્ર સચિવ  એસ.જે.હૈદર તથા ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન વખતે બી.એસ.એફ.ના બ્રાસ બેન્ડ તથા આર્મીના ફસ્ટ્ ગોરખા રાયફલ્સ બટાલીયનના પાઇપ બેન્ડે સંગીતની સૂરાવલીઓથી પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.