– એનએસઈના શેર લિસ્ટેડ ન હોવા છતાં, અનલિસ્ટેડ સેગમેન્ટમાં તેનો મોટાપાયે વેપાર
અગ્રણી વૈશ્વિક ફંડ્સ અને પ્રાઇવેટ ઇક્વિટી સંસ્થાઓએ દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ – નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) માં તેમની પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) અંગેની અનિશ્ચિતતા વચ્ચે તેમનો હિસ્સો ઘટાડયો છે.
તાજેતરના શેરહોલ્ડિંગ ડેટા અનુસાર, સેફ પાર્ટનર્સ, અકાસીયા બન્યાન, ઓન્ટારીયો અને ડેક્કન વેલ્યુ એ તેમના રોકાણમાં ૨૪ ટકા સુધીનો ઘટાડો કર્યો છે.
એનએસઈ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે માર્ચ૨૦૨૩ ક્વાર્ટરમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટર્સ દ્વારા રાખવામાં આવેલા કુલ શેર ડિસેમ્બર ૨૦૨૨ ક્વાર્ટરમાં ૨૭.૦૬ ટકાથી ઘટીને ૨૫.૭૧ ટકા થઈ ગયા છે. બીજી તરફ, વીમા કંપનીઓ, કોર્પોરેટ અને રીટેલ રોકાણકારોએ એનએસઈમાં તેમનો હિસ્સો વધાર્યો હતો.
ડેટા દર્શાવે છે કે માર્ચ ૨૦૨૩ દરમિયાન આશરે રૂ. ૨,૦૦૦ કરોડના શેર્સ એનએસઈ પર રૂ. ૨,૯૪૮ની સરેરાશે લે-વેચ થઈ હતી. ફેબુ્રઆરીમાં રૂ. ૧,૨૩૦ કરોડના શેરો રૂ. ૨,૯૮૨ પ્રતિ શેરના ભાવે સોદા થયા હતા.
શેરના વેચાણના તાજેતરના વ્યવહારોનું મૂલ્ય આશરે રૂ. ૧.૪૫ લાખ કરોડ છે. ઇન્ડસ્ટ્રીના ખેલાડીઓએ જણાવ્યું હતું કે કેટલાક પીઈ ને એનએસઈ શેર્સ ઑફલોડ કરવા પડયા હતા કારણ કે તેમના ફંડનો હોલ્ડિંગ સમયગાળો સમાપ્ત થઈ ગયો હતો.
એનએસઈ ના શેર ઔપચારિક રીતે લિસ્ટેડ ન હોવા છતાં, અનલિસ્ટેડ સેગમેન્ટમાં તેનો મોટાપાયે વેપાર થાય છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે માર્કેટ રેગ્યુલેટર સ્ટોક એક્સચેન્જને તેની લિસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે અનુમતિ આપશે તે પછી જ અનડયુ એક્સેસના પેન્ડિંગ કાનૂની કેસો ઉકેલાઈ જશે.