
સુરત મહાનગરપાલિકાનો લાઈટ વિભાગ વિવાદનું કેન્દ્ર બની રહ્યો છે. તિરંગા યાત્રામાં નક્કી કરેલી એજન્સી સિવાય અન્ય એજન્સીને કામગીરી સોંપી દેવાના વિવાદ બાદ હવે લાઈટ વિભાગે સ્થાયી સમિતિ સમક્ષ સ્ટ્રીટ લાઈટમાં એલઈડી ફીટ કરવા માટે અધુરી દરખાસ્ત મોકલી દેવાતા વિવાદ ઉભો થયો છે. લાઈટ વિભાગે દરખાસ્તમાં સ્થાયી સમિતિ સમક્ષ અધુરી માહિતી રજૂ કરાતા સ્થાયી સમિતિએ નિર્ણય માટે કમિશ્નરને જ અધિકૃત કરી દીધા હતા. આ ઉપરાંત દરખાસ્તમાં રજુ અન્ય પાસા પર કાયદાકીય પાસાનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.સુરત શહેરમાં સ્ટ્રીટ લાઇટ સિસ્ટમમાં કન્વેશનલ ફિટિંગ્સ એલઈડી ફિટિંગ્સ તથા સી.સી.એમ.એસ (સેન્ટ્રલાઇઝ કંટ્રોલ મોનેટરિંગ સિસ્ટમ)થી રિપ્લેસ કરવાની રીટ્રોફીટીગ તથા સાત વર્ષ સુધી મરામત અને નિભાવણી ફેઝ-1ની કામગીરી પુરી થઈ ગઈ છે અને ફેજ 2ની કામગીરી અધુરી છે. આ કામગીરી કરનાર એજન્સી સરકારની એજન્સી છે અને શહેરી વિકાસ વિભાગના ઠરાવ મુજબ એક પક્ષીય કામગીરી બંધ ન થઈ શકે તેમ હોવા છતાં એજન્સીએ પાલિકા સાથે વાટાઘાટ કર્યા વિના જ ફેઝ-2ની કામગીરી બંધ કરી દીધી છે અને સુરત પાલિકા પાસે 42 કરોડની ડિમાન્ડ કરી છે. આ અંગે લાઈટ વિભાગે સ્થાયી સમિતિ સમક્ષ ત્રણ વિકલ્પ વાળી દરખાસ્ત રજૂ કરી છે. તેના કારણે વિવાદ ઉભો થયો છે. સ્થાયી સમિતિ સમક્ષ આ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. તેમાં ફેજ-2ની કામગીરી માટે એસકો પદ્ધતિથી ડિમ્બ એનર્જી સેવિંગ સિસ્ટમ મુજબ હાલ જે સિસ્ટમથી કામગીરી થઈ રહી છે. તે રીતે બાકીની કામગીરી પુરી કરવા માટે આગળ વધવું કે કેમ તે વિકલ્પ રજુ કરાયો હતો. આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, આ પહેલા જ વિભાગ દ્વારા આ કામગીરી માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા હોવાની ખબર પડી છે. આ વાત દરખાસ્તમાં કશે પણ રજૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત આ રીતે કામગીરી કરવી કે નહીં તે માટે મ્યુનિ. કમિશનરને અધિકૃત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બાકી રકમ ચુકવવા પહેલા જે કરાર થયા છે. તે મજુબ લીગલ અભિપ્રાય આપવામાં આવે તે જરૂરી છે તેવો નિર્ણય કરાયો છે.