કોરોના સંકટ-આર્થિક સંક્રમણ વચ્ચે પણ ગુજરાતી ઉદ્યોગ મહિલા સાહસિકોએ સાહસ ખેડી નવો બિઝનેસ અને વિસ્તરણ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતી મહિલાઓ ધિરાણ મેળવવામાં મોખરે રહી છે. છેલ્લા એક વર્ષમાં રૂ.30000 કરોડથી વધુની સરેરાશ દસ લાખ મહિલા ઉદ્યોગ સાહસિકોએ બેન્કો પાસેથી લોન મેળવી હોવાનો નિર્દેશ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (એસએલબીસી)ના અહેવાલમાં રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મહિલાઓ દ્વારા સૌથી વધુ ગ્રૃહ ઉદ્યોગ, ટેક્સટાઇલ-એપરલ, હેન્ડીક્રાફ્ટ, ફુડ સેક્ટર, જેમ્સ-જ્વેલરી સેક્ટરમાં મોટા પાયે વેપાર કરી રહી છે.
બેન્કો નાણાથી છલકાઇ રહી છે અને ધિરાણ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આરબીઆઇએ પણ સંખ્યાબંધ છૂટછાટો આપેલી છે. સતત ઘટી રહેલા વ્યાજદર, ત્વરિત લોન મંજૂરી, હળવી શરતો અને તમારી ઇચ્છા મુજબની પુન: ચૂકવણી મુદત જેવાં પ્રોત્સાહનો મળી રહ્યા છે. સામે કોરોના જેવી મહામારી અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ જેવી બાબતોને મહત્વ આપતાં લોકો ઘર, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, ટુ-વ્હિલર, ફોર વ્હિલર સહિતના સાધનો ખરીદવા લાગ્યા છે. તેના કારણે છેલ્લા ચાર માસથી ઠપ્પ થઇ ગયેલા અર્થતંત્રમાં કોરોના પૂર્વેની સ્થિતિ સ્થાપિત થઇ રહી છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગુજરાતીઓએ કુલ 56097 કરોડની લોન લીધી છે. એટલું જ નહિં વ્યાજદરમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવા છતાં પણ સલામત રિટર્નના કારણે લોકોએ બેન્કોમાં ડિપોઝિટી ગત સપ્ટેમ્બર ક્વાર્ટરની તુલનામાં 13 ટકા વધારી 101449 કરોડની મુકી છે.
વાર્ષિક ધોરણે ગુજરાતીઓ સરેરાશ 8-10 લાખ કરોડનું ધિરાણ મેળવે છે. કોરોના મહામારી છતાં નાણા વર્ષ 2021માં 10 લાખ કરોડથી વધુનું ધિરાણ લેશે તેવો મત ટોચની બેન્કો દર્શાવી રહી છે. કોવિડ બાદ ઓટો તથા હાઉસિંગ સેક્ટરમાં વ્યાજદર ઘટીને 7 ટકા આસપાસ પહોંચ્યો હોવાથી લોકોમાં લોન લેવાની ક્ષમતા વધી છે. રિટર્ન સમયસર ફાઇલ કરતા હોય અને સિબિલ સ્કોર સારો હોય તો બેન્કો 24 કલાકની અંદર લોન મંજૂર કરી આપે છે તો શા માટે જંગી રોકડ કાઢવી જોઇએ.
કોરોના મહામારી બાદ ઉદ્યોગોને વેગ આપવા માટે કેન્દ્ર સરકારની ઇર્મજન્સી ક્રેડિટ ગેરંટી સ્કિમ (ECLGS) હેઠળ ગુજરાતના 1.69 લાખથી વધુ યુનિટોને 57310 કરોડથી વધુની લોન પૂરી પાડવામાં આવી છે. બેન્કોએ વાર્ષિક ધોરણે 94366 કરોડના ધિરાણનો ટાર્ગેટ મૂક્યો છે જેમાંથી સપ્ટેમ્બર ક્વાર્ટર સુધીમાં કુલ 60.73 ટકા લોનની ચૂકવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ ચૂકવાયેલ 145625 કરોડમાંથી 6.58 ટકા લેખે 9578 કરોડની એનપીએ નોંધાઇ છે. બેન્કોને સૌથી વધુ એગ્રી કલ્ચર લોનમાં એનપીએનો સામનો કરવો પડી રહ્યો છે.