સામુદ્રિકશાસ્ત્રમાં મુખ્ય ત્રણ પાસા મહત્ત્વનાં છે. મુખ સામુદ્રિક, કપાળ સામુદ્રિક અને હસ્ત સામુદ્રિક. હવે જ્યારે આપણે મુખ સામુદ્રિકની વાત કરતા હોઈએ ત્યારે માનવશરીરની નાસિકા એટલે કે નાકના વિષય પર વિસ્તારથી ચર્ચા કરીએ. આપણે એ તો જાણીએ જ છીએ કે, નાક મુખ ઉપર એક તૃતીયાંશ જગ્યામાં હોય છે અને આ જ કારણ છે કે તે સૌથી પ્રભાવક અંગ કહેવાય છે. સ્વાભાવિક છે કે, નાક વગર મનુષ્યના ચહેરાની કલ્પના કરવી અઘરી બની જાય છે.નાક એટલે ચહેરા પર સૌથી બહારની તરફ આવતું અંગ. આ જ કારણથી ચહેરા પર અકસ્માત સર્જાય તો સૌથી પહેલાં નાક જ ઘવાય છે. મનુષ્યની જ્ઞાનેન્દ્રિયોમાં નાસિકા અગ્રિમ સ્થાન ધરાવે છે. આમ તો, નાસિકાનું કામ માત્ર શ્વાસ લેવાનું અને સુગંધ પારખવાનું જ છે, પરંતુ સામુદ્રિકશાસ્ત્રમાં નાકની સંરચનાને આધારે વ્યક્તિના વ્યવહાર તેમજ વ્યક્તિત્વની ઊંડી સમજ મેળવી શકાય છે. તેટલું જ નહીં તેની સામાજિક અવસ્થાનો પણ ખ્યાલ મેળવી શકાય છે.માત્ર અભિવ્યક્તિની વાત કરીએ તો નાક સૌથી વધુ ક્રોધની ભાવના રજૂ કરે છે. પણ નાસિકામાં બે સ્વર હોય છે. એક જમણો અને બીજો ડાબો. જમણાં સ્વરને સૂર્યસ્વર અને ડાબાસ્વરને ચંદ્રસ્વર તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્ય શરીરના માત્ર બે અંગો એવાં છે જેનાં આકારમાં આજીવન વધારો-ઘટાડો આવી શકે છે. જેમાં એક કાન અને બીજું નાક છે. આમ તો, બહુ મોટાં પરિવર્તન નથી આવતાં, પરંતુ સુક્ષ્મ દૃષ્ટિએ પરિવર્તનનો ખ્યાલ મેળવી શકાય છે.
1. ઊંચુ નાક એટલે કે જે વ્યક્તિની નાસિકાનો ટોચનો ભાગ સામેથી જોતાં ઊપરની તરફ ઊંચો હોય તેવા વ્યક્તિ સ્વાભિમાની, આત્મનિર્ભર, પોતાના બળ પર પોતાના ભવિષ્યનું નિર્માણ કરનારા, ક્રોધી પ્રકૃતિ ધરાવનારા હોય છે. વ્યવહારિક દૃષ્ટિકોણથી આવા લોકો સામાજિક સ્તરે ઓછાં સક્રિય હોય છે.
2. નીચું નાક એટલે કે જે વ્યક્તિની નાસિકાનો ટોચનો ભાગ નીચેની તરફ હોય તેવા લોકો શરમાળ, શાંત, અદભૂત નિર્ણયશક્તિ, સંઘર્ષી, સુખ માણનારા અને સુશીલ પ્રકૃતિ ધરાવતા હોય છે. વ્યવહારિક દૃષ્ટિએ આવા લોકો સામાજિક સ્તરે ઓછું બોલનારા હોય છે, પરંતુ સક્રિય હોય છે.
3. સીધું નાક એટલે કે જે વ્યક્તિની નાસિકાનો ટોચનો ભાગ સીધી દિશામાં હોય તેવા લોકો સારા મિત્ર, ખુલ્લા હૃદયવાળા, મનમાં હોય તે કહી દેનારા, તદ્દન નિખાલસ પ્રકૃતિના હોય છે. આવા લોકો એકાંતપ્રિય હોય છે. વ્યવહારિક દૃષ્ટિએ આવા લોકો સામાજિક સ્તરે અલગ રહેવાનું પસંદ કરે છે.
4. નાસિકાના બંને સ્વરની મધ્યનો ભાગ લાંબો હોય તેવા લોકો અત્યંત વિનમ્ર, લોકોનો આદર-સત્કાર કરનારા, આધ્યાત્મિક, સરળતાથી લોકોને પસંદ પડી જનારા તેમજ આશાવાદી હોય છે. વ્યવહારિક દૃષ્ટિએ આવા લોકો સામાજિક સ્તરે ખૂબ પ્રસિદ્ધ હોય છે.
5. મોટું નાક એટલે કે જેનો દેખાવ સામાન્ય કરતા મોટો હોય તેવા લોકો વૈભવી જીવન પસંદ કરનારા, રાજસુખભોગી, પરંતુ અત્યંત ક્રોધી તેમજ અભિમાની પ્રકારના હોય છે. વ્યવહારિક દૃષ્ટિએ આવા લોકો સામાજિક સ્તરે અત્યંત સક્રિય હોય છે.
6. બંને સ્વર નાના તેમજ નાકનો દંડ એકદમ સીધો હોય તેવા લોકો અદભૂત સંકલ્પ શક્તિ ધરાવે છે તેમજ હિંમતવાન હોય છે, પરંતુ સરળતાથી ઉશ્કેરાઇ જઈ કાર્ય કરનારા અને જલદી પ્રભાવિત થઈ જનારા હોય છે. વ્યવહારિક દૃષ્ટિએ આવા લોકો સામાજિક સ્તરે મધ્યમ હોય છે.