ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષની પ્રથમ બેઠકમાં રેપો રેટને 4% પર યથાવત્ રાખ્યો છે, જ્યારે રિવર્સ રેપો રેટમાં 0.40%નો વધારો કરીને 3.75% કરવામાં આવ્યો છે, એટલે કે તમારે ચૂકવવા પડતા EMIમાં કોઈ જ ઘટાડો થશે નહિ. આ સિવાય RBIએ FY 23 માટે GDP ગ્રોથના અનુમાનને 7.8%થી ઘટાડીને 7.2% કર્યું છે. મોંઘવારી દરનું અનુમાન, 4.5%થી વધારીને 5.7% કરવામાં આવ્યું છે.
6 એપ્રિલે બેઠક શરૂ થઈ હતી
RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે તમામ સભ્યોની સહમતીથી વ્યાજદરોમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, સિસ્ટમમાં લિક્વિડિટીને વધારવા માટે રિવર્સ રેપો રેટ વધારવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સપ્લાય ચેનને લઈને ગ્લોબલ માર્કેટમાં દબાણ છે. રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી દર બે મહિને પોલિસી રિવ્યૂ બેઠક બોલાવે છે. FY23ની આ પ્રથમ રિવ્યૂ મીટિંગ હતી, જે 6 એપ્રિલે શરૂ થઈ હતી.
RBIએ 22 મે 2020ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો
અગાઉ 22 મે 2020ના રોજ રેપો રેટમાં RBIએ ફેરફાર કર્યો હતો. ત્યારથી રેપો રેટ 4%ના લો લેવલ પર છે. રેપો રેટ એ રેટ હોય છે, જેની પર RBI પાસેથી બેન્કોને લોન મળે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દર હોય છે, જે દર પર બેન્કોને RBIમાં પૈસા મૂકવા પર વ્યાજ મળે છે. અગાઉ RBIની બેઠક ફેબ્રુઆરીમાં થઈ હતી.