ગંગા, બ્રહ્મપુત્ર, સિંઘુ જેવી નદીઓ સૂકાઈ જવાનો ખતરો
હિમાલયમાંથી નીકળતી નદીઓમાં પાણીનો પ્રવાહ ઘટી જતાં ભારતના ૪૦ કરોડ લોકોને અસર થશેઃ યુએનનો રિપોર્ટ
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે એક અહેવાલ રજૂ કર્યો હતો. એ પ્રમાણે દુનિયાભરમાં ઝડપભેર ગ્લેશિયર પીગળી રહ્યા હોવાથી આગામી ૨૭ વર્ષમાં પાણીની મોટી સમસ્યા સર્જાશે. દુનિયાના ૨૪૦ કરોડ શહેરીજનોને પાણીની અછતનો સામનો કરવો પડશે. એમાં ભારત-પાકિસ્તાન-ચીનના લોકો મોટી સંખ્યામાં પાણીની અછતથી પીડાશે.
યુએનના અહેવાલ પ્રમાણે ૨૫૦૦ કિલોમીટર લાંબી ગંગાનદીનું જળસ્તર નીચું આવશે. તેનાથી ભારતના ૪૦ કરોડ લોકોની અસર થશે. ભારતની મોટી ૧૦ નદીઓ સૂકાઈ જવાનો ખતરો છે અને તેના કારણે કરોડો લોકો માટે પીવાના પાણીનો પ્રશ્ન ઉદ્ભવશે. ગંગોત્રી છેલ્લાં ૮૭ વર્ષમાં ૧.૭૫ કિ.મી. પીગળી ગઈ. પહેલાં ગંગોત્રીની લંબાઈ ૩૦ કિલોમીટર જેટલી હતી. ૧૯૩૫થી ૨૦૨૨ના સમયગાળા દરમિયાન ગંગોત્રી ગ્લેશિયરનું મુખ ૧૭૦૦ મીટર પીગળી ચૂક્યું છે.
ભારતના હિમાલયન રેન્જમાં ૯૫૭૫ ગ્લેશિયર છે. આ ગ્લેશિયર ભારતની નદીઓમાં પાણીનો પ્રવાહ ઠાલવે છે, પરંતુ આ હિમખંડ પીગળવા લાગતા પાણીનો જથ્થો દરિયામાં વહી જાય છે અને ખપમાં આવતો નથી. ધીમે ધીમે આ સ્થિતિ રહેશે તો આગામી ૨૭ વર્ષમાં એટલે કે ૨૦૫૦ સુધીમાં આ નદીઓમાં પાણીનો જથ્થો સાવ ઘટી જશે અને કરોડો લોકોને પાણીની અછતનો સામનો કરવો પડશે. યુએનના અંદાજ પ્રમાણે ભારત-પાકિસ્તાન અને ચીનના ૧૭૦ કરોડ લોકો ૨૦૫૦ સુધીમાં પાણીની અછતથી પીડાતા હશે.
એશિયાની ૧૦ મુખ્ય નદીઓ અત્યારે ૧૩૦ કરોડ લોકોની પાણીની જરૃરિયાત પૂરી કરે છે. પરંતુ ક્લાઈમેટ ચેન્જના કારણે જળસ્તર ઘટી રહ્યું છે. વળી, મુખ્ય ગ્લેશિયર પીગળવાના કારણે પણ આગામી વર્ષો મુશ્કેલ બનશે. ગ્લેશિયર પીગળવાની ઝડપ વધવાની ભીતિ હોવાથી પાકિસ્તાન-ચીનમાં પૂરપ્રકોપની દહેશત વધશે.