વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે વિકાસ ભારત સંકલ્પ યાત્રા અને તમિલ સંગમમમાં ભાગ લીધો હતો. આ દરમ્યાન તેમણે કાશી કન્યાકુમારી ટ્રેનનો શુભારંભ કર્યો હતો. પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ વારાણસીના ચૌબેપુર વિસ્તારના ઉમરાહમાં બનેલા સ્વર્વેદ મહામંદિર ધામનું ઉદ્ઘાટન કર્યું. વિહંગમ યોગ સંસ્થાના સ્થાપક સંત સદાફલ મહારાજના વિશ્વના ઘણા દેશોમાં સેંકડો આશ્રમો છે. તેમાંથી વારાણસીનું આ સ્વર્વેદ મહામંદિર સૌથી મોટું છે. 1,000 કરોડના ખર્ચે લગભગ 20 વર્ષોથી બનેલું આ સાત માળનું મંદિર વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર હોવાનું કહેવાય છે. અહીં 20 હજાર લોકો એક સાથે યોગ અને ધ્યાન કરી શકે છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે ત્યાં કોઈ જ ભગવાનની નહિ પરંતુ યોગની સાધના થાય છે. મંદિરની દીવાલોમાં સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. વર્ષ 2004માં તેનું નિર્માણકામ શરુ કરવામાં આવ્યું હતું. હાલ વડાપ્રધાને મંદિરના તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય 2021માં પણ વડાપ્રધાને આ મંદિરની મુલાકાત લીધી હતી. તે દરમિયાન જ તેમણે આ મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને અહીં આવવાનું વચન આપ્યું હતું. સ્વરવેદ મહામંદિરના ઉદ્ઘાટનની સાથે પીએમ મોદી સંત સદાફલ મહારાજની 135 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ પણ કરી શકે છે. સ્વર્વેદ મહામંદિર ધામના મીડિયા ઈન્ચાર્જએ આ મંદિરની વિશેષતા અને સ્વર્વેદ વિશે વિગતવાર માહિતી આપતા કહ્યું કે સ્વ: અને વેદ એમ બે શબ્દોથી સ્વર્વેદ બનેલો છે. સ્વ: એટલે આત્મા અને ભગવાન જયારે વેદ એટલે જ્ઞાન. એક માત્ર વસ્તુ જેના દ્વારા વ્યક્તિ આત્મા અને ભગવાનને જાણી શકે છે તે છે સ્વર્વેદ.આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે આપણા વિહંગમ યોગ સંસ્થાનના સ્થાપક સંત સદાફલ મહારાજે હિમાલયમાં સ્થિત આશ્રમમાં 17 વર્ષ સુધી ધ્યાન કર્યું હતું. ત્યાંથી તેણે મેળવેલ જ્ઞાનને પુસ્તક સ્વરૂપે મૂક્યું, એ ગ્રંથનું નામ સ્વર્વેદ છે. મંદિરના દરેક માળની લગભગ બધી જ દીવાલો પર સ્વર્વેદના લગભગ ચાર હજાર દુહા લખેલા છે. બહારની દિવાલ પર વેદ, ઉપનિષદ, મહાભારત, રામાયણ, ગીતા વગેરે વિષયો પર 138 ચિત્રો બનાવવામાં આવ્યા છે, જેથી લોકો તેમાંથી પ્રેરણા લઈ શકે. આ અવસરે 25000 કુંડી સ્વર્વેદ જ્ઞાન મહાયજ્ઞનું આયોજન પણ થઇ રહ્યું છે. જેમાં લાખો સાધક અને સાધિકાઓ જનકલ્યાણ માટે તેમાં આહુતિ આપશે. સાત માળનું મંદિર આ મંદિર 64 હજાર ચોરસ ફૂટમાં વિસ્તરેલું છે - ત્રણ લાખ ચોરસ ફૂટમાં ગુલાબી રેતીનો પથ્થર અને ત્રણ લાખ ચોરસ ફૂટમાં સફેદ મકરાણા માર્બલનો ઉપયોગ થયો છે - મંદિરનો કુલ વિસ્તાર 2.5 લાખ ચોરસ ફૂટ છે, જેમાંથી 80 હજાર ચોરસ ફૂટમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે - 20 હજાર ભક્તો એકસાથે સાધના કરી શકશે - દિવાલ પર સ્વર્વેદના ચાર હજાર દુહા અંકિત કરવામાં આવ્યા છે - સાત માળના મંદિરની ઊંચાઈ 180 ફૂટ છે - 135 ફૂટ ઉંચી સદગુરુદેવની રેતીના પથ્થરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે - સદાફળ દેવે પ્રથમ વારસદાર બનાવ્યા હતા, આ પરંપરા ચાલતી આવે છે - મંદિરની ટોચ પર GRC ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં 125 પાંખડીઓવાળા નવ કમળના આકારના ગુંબજ છે, જે ગુજરાતમાંથી મંગાવવામાં આવ્યા છે - રાજસ્થાનના બંસીપહારપુરથી લાવવામાં આવેલા ત્રણ લાખ ઘનફૂટ સુંદર ગુલાબી સેંડસ્ટોનમાંથી કોતરવામાં આવેલી કલાકૃતિઓ દ્વારા પણ આધ્યાત્મિક સંદેશો આપવામાં આવ્યા છે - બહારની બારીઓ પર 132 ઋષિ-મુનિઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે - મહામંદિરના પ્રાંગણમાં સુંદર બગીચો પણ વિકસાવવામાં આવી રહ્યો છે- કેમ્પસમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને ટપક સિંચાઈ વગેરે જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે
કાશીમાં દુનિયાના સૌથી મોટા ધ્યાન મંદિરનું વડાપ્રધાને કર્યું ઉદ્ધાટન, એક સાથે 20 હજાર લોકો કરી શકશે યોગાભ્યાસ
Date: