Creamy Layer in Reservation: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એસ.સી અને એસ.ટી કેટેગરીના અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ કરવાનો ચુકાદો આપ્યો હતો. હવે તેના સંદર્ભમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તે એસ.સી અને એસ.ટી અનામતમાં ક્રિમી લેયરને લાગુ કરશે નહીં. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટ બેઠકમાં એસ.સી અને એસ.ટી અનામતમાં ક્રિમી લેયર અંગે સુપ્રીમ કોર્ટ આપેલા ચુકાદાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ડૉ. બી.આર. આંબેડકર દ્વારા તૈયાર કરાયેલા બંધારણમાં એસ.સી-એસ.ટી માટેના અનામત વ્યવસ્થામાં કોઈ ક્રિમી લેયરની જોગવાઈ નથી. કેન્દ્ર સરકાર ડો.આંબેડકરના બંધારણ માટે પ્રતિબદ્ધ છે. તેથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેનું અનામત બંધારણીય દિશા-નિર્દેશો અનુસાર લાગુ રહેશે. ક્રિમી લેયર એટલે કે સમાજનો એ વંચિત વર્ગ કે જે આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ થઇ ચૂક્યા છે. ક્રિમી લેયર હેઠળ આવતા લોકોને અનામતનો લાભ આપવામાં આવતો નથી. હાલમાં ઓબીસી અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ લાગુ છે. આ સિવાય અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રમોશનના મામલામાં ક્રિમી લેયરની જોગવાઈ લાગુ પડે છે. અન્ય પછાત વર્ગ(ઓબીસી) ને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 27% અનામત મળે છે. ક્રિમી લેયરની જોગવાઈ અનુસાર જો કોઈ ઓબીસી પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ હોય તો તે પરિવારના છોકરા કે છોકરીને અનામતનો લાભ મળતો નથી. તેને બિન-અનામત ક્વોટા દ્વારા નોકરી અથવા પ્રવેશ મળે છે.