ગુજરાતમાં સિનિયર સિટીઝન પર થતાં ગુનાના પ્રમાણમાં ચાર વર્ષમાં 44 ટકા જેટલો વધારો નોંધાયો છે. સિનિયર સિટીઝન પર હુમલાની ઘટના નાણાકીય વર્ષ 2020-21માં 420 હતી અને જે 2022-23માં 604 નોંધાઇ છે. આ સમયગાળામાં સિનિયર સિટીઝન પર ચોરી, લૂંટ, ગેરવસૂલી, છેતરપિંડી જેવી ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દર વર્ષે અનેક દેશમાં 21 ઓગસ્ટની ઉજવણી ‘વર્લ્ડ સિનિયર સિટીઝન ડે’ તરીકે કરવામાં આવે છે ત્યારે વૃદ્ધ નાગરિકો પર થતાં હુમલાની ઘટના ચિંતાજનક છે. ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2023માં વૃદ્ધો સામે ગેરવસૂલીની 29, લૂંટની 96, છેતરપિંડીની 268 અને ચોરીની 1243 ઘટના નોંધાયેલી છે. એક્સટોર્શન (ગેરવસૂલી)ના કેસ 2021-22માં 6 હતા અને 2022-23માં વધીને 15 થયેલા છે. જાણકારોના મતે, વૃદ્ધો પર એક્સટોર્શનના મોટાભાગના કેસ ‘સેક્સટોર્શન’ ને લગતા હોય છે. જેમાં સોશિયલ મીડિયામાં તેમને બ્લેકમેલ કરીને નાણા વસૂલવામાં આવતા હોય છે. આ ઉપરાંત ઓટીપી, એટીપી ફ્રોડમાં પણ તેમને છેતરપિંડીનો વધારે સામનો કરવો પડે છે. એનસીઆરબીના અહેવાલ અનુસાર વૃદ્ધો સામે છેતરપિંડીની 2021માં 96- 2022માં 81, બળાત્કારની ઘટના 2021માં 1-2022માં 1, હત્યાની ઘટના 2021માં 67-2022માં 49 નોંધાઇ હતી.આ ઉપરાંત છેલ્લા 10 વર્ષમાં 2208 પુરુષ-408 મહિલા એમ 2616 નિવૃત્ત વ્યક્તિઓ દ્વારા આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવામાં આવ્યું છે. આત્મહત્યાના મોટાભાગના કિસ્સામાં એકલવાયું જીવન, લાંબા સમયની બીમારી જવાબદાર હોવાની વિગત સામે આવેલી છે. વર્ષ 2018માં 260 જ્યારે વર્ષ 2022માં 334 નિવૃત્ત વ્યક્તિએ આત્મહત્યા કરેલી હતી.તજજ્ઞોના મતે, રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ અગાઉ વૃદ્ધો નાગરિકો માટે 14567 નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે. જેમાં સરકારની વૃદ્ધ પેન્શન યોજના, નાગરિકોની સરકારી યોજનાનું માર્ગદર્શન અને નિરાકરણ, વૃદ્ધાઓની સારવાર અને સંભાળ તથા વરિષ્ઠ નાગરિકોને વૃદ્ધાશ્રમ અંગેની માહિતી પૂરી પાડવાની જવાબદારી પણ હેલ્પલાઇન દ્વારા પૂરી પાડવામાં આવે છે.