![](https://sunvillasamachar.com/wp-content/uploads/2025/02/11-2.jpg)
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ માં સ્થિત મહેસાણા-પાલનપુર રેલવે સેક્શન પર ડબલિંગની કામગીરી દરમિયાન ઊંઝા રેલવે સ્ટેશન પર માલવાહક ટ્રાફિકને ધ્યાનમાં રાખીને નવું ટર્મિનલ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ ટર્મિનલને અસરકારક આકાર આપવાનો શ્રેય અમદાવાદ ડિવિઝનના વર્તમાન સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અન્નુ ત્યાગીને જાય છે, જેમણે પોતાની કાર્યક્ષમતા અને દૂરંદેશીથી આ નવી યોજનાની ચર્ચા કરી અને તેને એક નવું પરિમાણ આપ્યું અને રેલ્વે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, તેને એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ટર્મિનલ રેલવે અને વેપાર બંને માટે આવનારા સમયમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.ઊંઝા તાલુકો જે મહેસાણા જિલ્લા હેઠળ આવે છે વિવિધ પ્રકારના મસાલા અને કૃષિ ઉત્પાદન જેમ કે જીરું, વરિયાળી, ધાણા, સરસવ, મેથી, ઇસબગુલ, રાઈ વગેરેના વેપાર માટે પ્રખ્યાત છે. પરંતુ, અત્યાર સુધી અહીંના ખેડૂતો તેમનો ઉત્પાદિત માલ ગુજરાતની બહાર સક્રિયપણે મોકલી શકતા ન હતા. આ મુખ્ય કારણ હતું. યોગ્ય વાહન વ્યવહારનો અભાવ પરંતુ જેવું ઊંઝામાં વેપારીઓને માહિતી મળી કે ઊંઝા માં એક નવું રેલ ટર્મિનલ સ્થપાઈ રહ્યું છે જે કન્ટેનર ના માધ્યમ થી માલસામાનની હેરફેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સકારાત્મક ભૂમિકા ભજવશે, તો ખેડૂતો અને વેપારીઓ સૌ ખુશ થઈ ગયા. હવે તેમનું ઉત્પાદન માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ સરળતાથી ઉપલબ્ધ થશે. આનાથી માત્ર સારા ભાવ જ નહીં પરંતુ રેલવેને વધારાની આવક પણ થશે.શરૂઆતમાં મેસર્સ અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ અને સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશને ઊંઝાથી કન્ટેનર ટ્રેનની કામગીરી શરૂ કરવામાં રસ દર્શાવ્યો હતો. આ બંને કંપનીઓ હાલમાં વાર્ષિક 65,000 કન્ટેનર (TEUs) સુધીના કાર્ગોને હેન્ડલ કરવાની વિશાળ ક્ષમતા ધરાવે છે, ખાસ કરીને મુન્દ્રા પોર્ટ પર પરિવહન માટે. આ પગલાથી ઊંઝાને મુખ્ય લોજિસ્ટિક્સ અને નિકાસ હબ તરીકે વધુ મજબૂત બનાવશે.અત્યાર સુધી, ઊંઝાની આજુબાજુ કોઈ પણ કન્ટેનર રેલ ટર્મિનલ નહોતું, જેના કારણે મોટાભાગનો માલ સડક માર્ગે વહન થતો હતો. પરંતુ હવે ઊંઝા ખાતે વિશિષ્ટ રીતે કન્ટેનર રેલ ટર્મિનલની સ્થાપના સાથે, આ પ્રદેશ ઉત્તરીય વિસ્તારો માટે મુખ્ય લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવે તેવી શક્યતા છે. આ વિકાસ માત્ર ઊંઝાના ખેડૂતો માટે જ ફાયદાકારક નથી, પરંતુ અમદાવાદ ડિવિઝન અને સમગ્ર ભારતીય રેલવે માટે પણ એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે. આ સાથે માનનીય વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ ‘નેશનલ રેલ પ્લાન’ના વિઝન 2027ને એક નવો આયામ આપવામાં પણ મદદ મળશે.આ ટર્મિનલની સ્થાપનાથી ઊંઝા અને તેની આસપાસના વિસ્તારોમાં વેપાર અને પરિવહન માટે નવી દિશાઓ ખુલશે. આ માત્ર રેલવે માટે જ નહીં પરંતુ સમગ્ર અર્થતંત્ર માટે સકારાત્મક પરિવર્તન સાબિત થશે. અમદાવાદ મંડળ દ્વારા લેવામાં આવેલ આ પગલું ભારતીય રેલ્વેના પ્રગતિશીલ વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભવિષ્યમાં હજુ પણ મોટા ફેરફારોનો સંકેત આપે છે.