રાજકોટ : સૌની યોજનાની પાઇપલાઇન બની ખેડૂતો માટે આફત

0
5

સૌરાષ્ટ્રભરમાં સૌની યોજના હેઠળ ગામેગામ પાણી પહોંચાડવામાં આવ્યું છે. જોકે સૌની યોજનાના અધિકારીઓની બેદરકારીને વારંવાર સામે આવતી હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના ખોખડદળ ગામે સવા કિલો મીટર સુધી સૌની યોજનાની પાઈપ લાઈન બહાર નીકળી જતા ૧૮થી વધારે ખેડૂતોને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

રાજકોટ તાલુકાના ખોખળ દળ ગામના કે જ્યાં ભારે વરસાદના કારણે ખેતરમાંથી સૌની યોજનાની પાઈપ લાઈન બહાર નીકળી જતા ખેડુતોને કપાસ મરચીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. રાજકોટથી ભાદર સુધી પાણી પહોચડવા માટે ખોખડદળ ગામે પાઇપલાઇન ઉનાળામાં નાખવામાં આવી હતી. ખોખડદળ ગામે અચાનક ગઈ કાલે પાણીની પાઈપલાઈન બહાર નીકળી જતા ખેડુતોમાં દોડધામ મચી હતી.

ખોખડદળ ખેડૂતોનું કહેવું છે કે, એક બાજુ પાઇપલાઇન નાખી ત્યારે મામૂલી વળતર સૌની યોજનનના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું . બીજી તરફ સવા કિલોમીટર સુધી પાઇપલાઇન બહાર નીકળી જતા ૧૮થી વધુ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છતાં હજી સુધી સૌની યોજના એક પણ અધિકારી અહીં સુધી પહોંચ્યા નથી.

આ પહેલા પણ લોધીકા તાલુકાના અભેપર ગામ અને ચિભડા ગામે પાઈપલાઈન બહાર નિકળી ગઈ હતી. ત્યારે હાલ સૌની યોજના સાથે સંકળાયેલ અધિકારીનું કહેવુ છે કે કયાં કારણોસર આ પ્રકારે વારંવાર પાઈપલાઈન બહાર નીકળી જાય છે તેનુ તારણ અમે શોધીશું. ખેડૂતોને થયેલ તમામ નુકશાનની ચુકવણી કોન્ટ્રાકટર દ્વારા કરવામા આવશે.