અમદાવાદ : સુપ્રીમ કોર્ટે 2002માં ગુજરાત તોફાનો સાથે જોડાયેલા તમામ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ યુયુ લલિતની બેન્ચે આજે કહ્યું હતું કે આટલો સમય વીતી ગયા પછી હવે સુનાવણીનો કોઈ અર્થ નથી. ગુજરાતનાં તોફાનો સાથે જોડાયેલી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ હતી. કોર્ટે કહ્યું હતું કે ગુજરાતનાં તોફાનો સાથે જોડાયેલા 9માંથી 8 કેસમાં નીચલી અદાલત ચુકાદો સંભળાવી ચૂકી છે. નરોડા ગામ સાથે જોડાયેલા કેસની સુનાવણી હજુ ચાલી રહી છે. આવી સ્થિતિમાં આની સાથે જોડાયેલા કોઈપણ કેસમાં સુનાવણીની જરૂર નથી.સુપ્રીમ કોર્ટે 24 જૂનના રોજ ઝાકિયા જાફરી તરફથી PM મોદી સામે કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી 2002નાં ગુજરાત રમખાણમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપનાર SIT સામે દાખલ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતાં કહ્યું હતું કે ઝાકિયાની અરજીમાં મેરિટ નથી.ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાકાંડ બાદ ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. ઉપદ્રવીઓએ અમદાવાદ સ્થિત લઘુમતી સમુદાયની વસતિવાળી ગુલબર્ગ સોસાયટીને નિશાન બનાવી હતી, જેમાં ઝાકિયા જાફરીના પતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 69 લોકો માર્યા હતા. તેમાંથી 38 લોકોના મૃતદેહો મળ્યા હતા, જ્યારે જાફરી સહિત 31 લોકોને લાપત્તા દર્શાવાયા હતા.2008માં સુપ્રીમ કોર્ટે SITની રચના કરી હતી. SITએ આ કેસમાં થયેલી તમામ સુનવણીનો રિપોર્ટ આપવાનો આદેશ કર્યો. બાદમાં ઝાકિયાની ફરિયાદની તપાસ પણ SITને અપાઈ. SIT એ મોદીને ક્લીનચિટ આપી અને 2011માં સુપ્રીમ કોર્ટના આદેશ પર SITના મેજિસ્ટ્રેટને ક્લોઝર રિપોર્ટ આપ્યો.2013માં ઝાકિયાએ ક્લોઝર રિપોર્ટનો વિરોધ કરતાં મેજિસ્ટ્રેટ સામે અરજી કરી. મેજિસ્ટ્રેટે અરજી ફગાવી દીધી. ત્યાર પછી ઝાકિયાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. હાઈકોર્ટે 2017માં મેજિસ્ટ્રેટના ચુકાદાને યથાવત્ રાખ્યો. ત્યારે ઝાકિયાએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જે અંતર્ગત આજે સુપ્રીમ કોર્ટે આજે કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે.