
આવતી કાલે 8 માર્ચ છે અને મહિલા દિવસ આવી ગયો. આપણે વીમન્સ વીકમા ઘણા પાસાં પર વાત કરી અને સમાજની પુત્રી તેમજ પુત્રવધૂ ને ટકોર પણ કરી, પરંતુ આપણે આજે સમાજ દર્શનમાં હજી મહિલા દિવસ અંતર્ગત રહી ગયેલ એક પાસા પર વાત કરીશું, કારણકે આપણે જોયું એમ પરિવારની વહુ દિકરી પ્રત્યે કુણું વલણ રાખી શકાય અથવા તો ઘણું બધું સ્વીકારી શકાય છે, પણ અન્ય સ્ત્રીને એટલું માન કે મહત્વ આપી શકાતું નથી! અથવા તો દરેક સ્ત્રીના ન્યાય માટે બહુ વિચારતાં નથી, માટે આજનાં દિવસ નિમિતે દરેક મહિલાને તેમના અધિકારોની સાથે સાથે પુરતું માન સન્માન અને પવિત્ર પ્રેમ મળે એવી શુભેચ્છા. મહિલા દિવસે ઠેરઠેર મહિલાઓ પોતાના વિચારો રાખી શકે, એ રીતનાં કાર્યક્રમનું આયોજન કરાશે, અને મહિલાના સન્માન થશે. કેવું રુપાળુ લાગે છે આ બધું! ક્યાંક ક્યાંક તો આ દ્રશ્યો કેમેરામાં કેદ પણ થશે! પરંતુ એક પ્રશ્ન થાય કે, શું સાચે જ આજનો સમાજ દરેક મહિલાને માન સન્માન આપે છે ખરો? સ્ત્રી શિક્ષણ અને તેની સિદ્ધિ બધું જ બરોબર છે,પણ હજી દરેક સ્ત્રી માટેનો સમાજનો નજરિયો સમાન નથી! અને એ મુદ્દે હજી અવરનેસની ખૂબ જરુર છે. સુધરેલો સમાજ વાતો તો બહુ મોટી મોટી કરી જાણે છે,પણ હકીકતમાં શું તેની નજરમાં પોતાનાં ને પરાયાંનો ભેદ નથી હોતો?? સામાજીક રીતે બધી જ મહિલાઓ ને એક નજરે જોવામાં નહીં આવે, ત્યાં સુધી મહિલા સાથે થતાં અત્યાચારોમાં કોઈ ફેર પડવાનો નથી. અહીં મેં સમાજ શબ્દનો ઉપયોગ કર્યો છે, પુરુષ કે અન્ય કોઈનાં નામ નથી, સમાજમાં બધા જ આવી જાય છે, એ રીતે જોઈએ તો અહીં સ્ત્રીની દુશ્મન સ્ત્રી પણ હોય શકે છે! અને એ સૌ કોઇ જાણે જ છે. હા અમુક રીતે સમાજમાં જાગૃતિ આવી છે ખરી, અને હવે દરેક વર્ગના લોકો સ્ત્રી શિક્ષણનું મહત્વ સમજીને પોતાની દિકરીને ભણાવે પણ છે, અને ક્યાંક કોઈ બેન દિકરી સાથે દુષ્કર્મ થાય, તો થોડે ઘણે અંશે અવાજ પણ ઉઠાવે છે, પરંતુ આ બધું ઘટના ઘટી ગયા પછીનું છે. આવી ઘટનાઓ હવે છાશવારે બને છે, અને સમાજ જાણે ટેવાઈ ગયો હોય, તેમ સરઘસ કાઢે નારા લગાવે, નીજી પરિવાર પોલીસ ચોકી સામે ઉપવાસ પર બેસે, ન્યાય માટે માગણી થાય,પણ સરકાર તરફથી આવી ઘટના ઘટે નહી એ માટે નક્કર પગલાં ભરાતાં નથી, કે નથી આરોપી ને તાત્કાલિક સજા થતી. સમાજ તરફથી પણ ઠોસ સબૂત આપીને અપરાધીને પકડાવવા માટે સબૂત આપવામાં આવતાં નથી, તેથી આવાં કિસ્સા અટકતા નથી,અને આરોપીને પણ મને કંઈ જ થવાનું નથી; એમ વિચારી આવી ઘટના વધુ ને વધુ થાય છે. વારંવાર ઘટતી આવી ઘટના ચોક્કસ પણે ઘટાડવી હોય તો, જે તે વ્યક્તિ એ આવું દુષ્કર્મ કર્યું હોય, તેનો પરિવાર તેને છાવરવાની બદલે સજા થાય, એવાં મતનો બને, અને સામેથી પોલીસને સોંપી દે, તો કંઈક અંશે ઘટાડો થાય. ઉપરાંત જે નારી સાથે આવી કોઈ પણ શરમજનક ઘટના ઘટી હોય, તેણે પણ કહેવાતી આબરૂ કે ઈજ્જતને નામે, ચૂપ રહ્યા વગર ન્યાય માટે આગળ આવવું જોઈએ, અને આ માટે તેના પરિવાર એ પણ મહિલાને સાથ આપવો જોઈએ. સમાજમાં આમ જુવો તો, ઉપરછલ્લી જાગૃતિ આવી છે એવું લાગે.કારણ કે સૌને પોતપોતાની માતા પત્ની બહેન કે પુત્રીને માન સન્માન આપવું છે, પરંતુ એ જ ઉંમરની અન્ય મહિલા સાથે જે ઘટના ઘટે એમાં મારે શું? એવું આજે પણ હજી બધાં વિચારે છે!એને પરિણામે આવાં કિસ્સા લગાતાર વધે છે. એકવીસમી સદીમાં પહોંચી ગયાની વાત જ છે, બાકી મહિલા માટેની માનસિકતામાં હજી જોઈએ તેવો ફેર પડ્યો નથી. મહિલા ગમે તેટલી સફળ હોય, તે સ્વતંત્ર આજે પણ નથી,કદાચ ક્યાંક તે સ્વતંત્ર હોય તો સુરક્ષિત તો બિલકુલ નથી.ઘરની બહાર તો અમુક પ્રકારના અત્યાચાર થાય,પણ આતો ઘરમાં પણ ઘરેલુ હિંસા અટકવાનું નામ નથી લેતી. ઘણી વખત વિચાર આવે કે મહિલાને સુશિક્ષિત કરીને શું ફાયદો થયો, બુદ્ધિ વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો કદાચ મહિલા દરેક ક્ષેત્રમાં સફળ થઈ છે,પણ સમાજની હજી પણ 50% મહિલા ઘરમાં માન સન્માનનું સ્થાન મેળવી શકી નથી.પહેલા તો સાવ નીચલા વર્ગમાં જ આવું બનતું, પરંતુ હવે તો કહેતા પણ શરમ આવે એવાં એજ્યુકેટેડ ફેમિલીમાં પણ શંકાને કારણે આવું બધું થતું જોવા મળે છે, જોકે 20 /25 ટકા રૂપે ક્યાંક ક્યાંક સ્ત્રીઓ પણ સ્વછંદ થતી જાય છે. મૂળ વાત જ્યાં સુધી સમાજનો એક એક વ્યક્તિ ઘરની અને બહારની મહિલાને સરખું માન સન્માન નહીં આપે, ત્યાં સુધી મહિલાનું સમાજમાં આ રીતે જ અપમાન થતું રહેશે. દરેકે જણાએ પોતાની જાતને સવાલ કરવો રહ્યોં, કે જે માન તે માતાને આપે છે, એટલું જ માન તે સમાજની અન્ય મહિલાને આપે છે? જ્યાં સુધી સમાજની માતા, પત્ની, બહેન, અને પુત્રીને ઘર પરિવારની મહિલાની જેમ જોવામાં ન આવે, એને પણ ઈશ્વરે એક સંવેદના ભર્યું હ્રદય આપ્યું છે, એવું વિચારવામાં ન આવે ત્યા સુધી, આવાં સમારંભ અને મહિલાનાં માન સન્માનનાં કાર્યક્રમ નકામા છે. સ્ત્રી ચરિત્રની દુહાઈ દેતો ભારતીય સમાજ સ્ત્રીના ચરિત્ર સાથે પોતે ગમે તેવા ચેડાં કરી શકે,પણ પોતાની સ્ત્રીનાં ચરિત્ર પર ભરોસો કરવાનો વારો આવે તો તરત શંકા કરે છે, એની પર ગમે તેવા આક્ષેપ મુકવામાં પણ એ પાછી પાની કરતો નથી. સમાજમાં દિવસે દિવસે સાઈબર ક્રાઇમની સંખ્યા જે રીતે વધે છે,એ જોતાં એવું લાગે કે, ઘણીવાર પોતાનો કોઈ જ દોષ ન હોવા છતાં, તેણે બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે, ત્યારે આપણને એમ થાય કે જો થોડો વિશ્વાસ પતિ પોતાની પત્ની પર રાખે, તો કદાચ આવા કિસ્સામાં ઘટાડો થાય ખરો. મનોરંજનના બધા જ માધ્યમ પરથી મહિલાનો વિકાસ થાય એ રીતે ફિલ્મ, નાટક, કે સીરિયલ બનાવવામાં આવે છે. હેલ્લારો ફિલ્મમાં એકબાજુથી કુળદેવીને પૂજવામાં આવે,અને ઘરની મહિલાઓ ને જે રીતે કેદમાં રાખવામાં આવતી એ મર્મ સમજાવ્યો છે, એ દ્રષ્ટિકોણ અદભૂત છે. આજે દરેક પિતા પોતાની પુત્રી માટે સુંદર સ્વપ્ન જુવે છે, પણ એની પત્ની પણ કોઇની દિકરી છે, એ વાત એ આસાનીથી ભૂલી જાય છે. દિકરી જુવાન થતાં સુંદર જીવનસાથીનું સ્વપ્ન જુવે છે, અને જીવનસાથી સંગે ઉંચે આકાશમાં ઉડવાનું સ્વપ્ન પણ જુવે છે, પરંતુ શું સમાજ દરેક દિકરીનું આ સ્વપ્ન પુરૂ થાય એમાં મદદરૂપ થાય છે ખરો? ઘણીવાર એવું પણ જોવા મળે છે કે મહિલાની માનહાનિ તેનાં અંગત સ્વજનો દ્રારા થતી પણ જોવા મળે. ઘર પરિવારમાં જે હોય તે, પરંતુ આ બાબત પર બધી જ મહિલા એ એક થવું પડશે! માત્ર અધિકારને મુદ્દે નહીં પણ સાચાં અર્થમાં સમાનતા ને સન્માન મળવું જોઈએ. જો સમાજનો સાચે વિકાસ કરવો હોય તો આ પાસા પર વિચારવું જોઈએ .પુરુષ હોય કે મહિલા તેને જન્મ દેનાર તો આખરે એક મહિલા જ છે એ વાત પણ યાદ રાખીને દરેકે દરેક જણાં એ મહિલાને માન-સન્માન આપવું જોઈએ, આવા ભાષણો પણ કેટલા એ આજ સુધી કર્યા હશે, પરંતુ સમાજની માનસિકતામાં કોઈ ફેર નથી. આ ઉપરાંત મહિલા એ પણ માત્ર અધિકારની સાથે સાથે ફરજ પણ નીભાવી પડશે, અને અને થોડું જતું કરવાની ભાવના પણ કેળવવી પડશ, તો જ સાચે આપણે 21મી સદી તરફ આગેકૂચ કરી છે એમ કહી શકાય. દરેકે દરેક જણાયે મહિલાને માન-સન્માન આપી તેની ભાવનાની કદર કરવી પડશે, ઉજ્જવળ ભવિષ્ય માટે ઉજળા ગુણ પણ કેળવવા પડશે,અને મારી જેમ કેટલીય મહિલાઓ જોયેલું સમાજનું આવું દોહરી માનસિકતા વાળું ચિત્ર બદલવુ પડશે. ત્યારે સાચે જ મહિલા દિવસ સાર્થક થશે! જય હિન્દ.