ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ ચૂંટણી માટે ભાજપ સહિત આમ આદમી પાર્ટીએ પણ હવે કમરકસી છે. ત્યારે કોંગ્રેસમાં હજી સુધી નેતાના ઠેકાણા નથી. કોંગ્રેસમાં પ્રભારી, પ્રદેશ પ્રમુખ કે વિપક્ષ નેતાની હજી સુધી નિમણૂક કરાઈ નથી. ભાજપે ગુજરાતમાંથી પાંચ કેન્દ્રીય મંત્રીને જિલ્લાઓ પ્રમાણે ચૂંટણીલક્ષી જવાબદારી સોંપી છે. આ હેઠળ મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરી લોકસંવાદ કરશે. 16થી 21 ઓગસ્ટ સુધી મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરશે. બીજી તરફ, આમ આદમી પાર્ટીમાં પણ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે કોંગ્રેસનું શું થશે? એવા સવાલો ચર્ચાઈ રહ્યા છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે. રત્નાકર અગાઉ બિહાર ભાજપના સહસંગઠન મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે તેમજ કાશી અને ગોરખપુરમાં ક્ષેત્રીય સંગઠનની પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. રત્નાકર શરૂઆતના દિવસોમાં સામાજિક કાર્યકર તરીકે સંઘ સાથે જોડાયેલા હોવાનું મનાય છે તેમજ રત્નાકર એક ભારતીય રાજકીય અને ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા તરીકે છાપ પણ ધરાવે છે, જેથી તેમને સંગઠનના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. છેલ્લાં દસ વર્ષથી ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા ભીખુ દલસાણિયાને ગુજરાતમાં મહત્ત્વની જવાબદારી સોંપાઈ શકે છે એવું મનાઈ રહ્યું છે. ભીખુ દલસાણિયા વડાપ્રધાન મોદીના વિશ્વાસુઓમાં એક ગણાય છે.ગુજરાતમાં કોંગ્રેસ અહેમદ પટેલના નિધન બાદ નોંધારી બની ગઈ છે. પક્ષને લાંબા સમયથી પ્રભારી, પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતા જ નથી મળતા. કૉંગ્રેસ હજુ ગુજરાતના પ્રભારીથી લઈને પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના મામલે ગૂંચવાઈ ગઈ છે.એક સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અર્જુન મોઢવાડિયાનું નામ તેમજ વિધાનસભા વિપક્ષના નેતાપદે શૈલેષ પરમારના નામ મોખરે હતાં. બીજી તરફ પ્રભારી તરીકે મુકુલ વાસનિક અને અવિનાશ પાંડે તથા સચિન પાયલોટના નામની શક્યતાઓ ચર્ચામાં હતી, પરંતુ હવે અહેમદ પટેલના નિધન બાદ ગુજરાતનો મામલો સંભાળવાનું હાઈ કમાન્ડ માટે મુશ્કેલ છે. 2017ની વિધાનસભા ચૂંટણી વખતે અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં આવી હતી. એ સમયે સત્તા ન મળવા છતાં કોંગ્રેસનો દેખાવ પ્રમાણમાં સારો હતો. ત્યારે કૉંગ્રેસ હજુ ગુજરાતના પ્રભારીથી લઈને પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના મામલે ગૂંચવાઈ ગઈ છે.