હાલ ભાજપનું ધ્યાન ઉત્તરપ્રદેશની ચૂંટણીઓ પર છે, પરંતુ આ ચૂંટણીઓ પછી તરત જ ગુજરાત વિધાનસભા ચૂંટણી કેન્દ્રમાં રહેશે. ગુજરાત ભાજપના નેતાઓ કહે છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી કરાવવાનો કોઇ પ્લાન નથી, પરંતુ ભાજપની તૈયારીઓ જ એનું ખંડન કરે છે. સરકાર અને સંગઠનમાં જોવા મળતી ચહલપહલથી ચૂંટણી નજીક હોવાના સંકેતો મળી રહ્યા છે. ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ મે મહિનામાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા માટે ભાજપ સરકાર, સંગઠન અને હાઇકમાન્ડ ગંભીરતાથી વિચારણા કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ફેબ્રુઆરીમાં વોટ ઓન એકાઉન્ટ સાથે વિધાનસભા સત્ર પૂરું કરી માર્ચમાં વાઇબ્રન્ટ કરી દેવી, સાથે સાથે વેરવિખેર વિપક્ષને પણ મજબૂત બનવાની તક ના મળે એવા રાજકીય ગણિત સાથે ભાજપ આગળ વધી રહ્યો છે.
પાર્લમેન્ટરી બોર્ડ અને શિસ્ત સમિતિની જાહેરાત
ભાજપે 21 જાન્યુઆરીએ 14 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરી દીધી છે. આ સમિતિમાં રૂપાણી સરકારમાંથી ચાર મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે, એમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને જસવંતસિંહ ભાભોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 12 કોર ગ્રૃપના સભ્યો પણ જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બંને સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપે ચાર સભ્યની શિસ્ત સમિતિની પણ જાહેરાત કરી છે.
19 જાન્યુઆરીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 579 મંડળ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાં તેમણે બૂથ સમિતિ તેમજ પેજ સમિતિની સંરચના થકી મંડળને મજબૂત કરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન મોદી પેજ સમિતિના કાર્યકર્તાઓને 25મી જાન્યુઆરીએ નમો એપના માધ્યમથી સંબોધન કરશે.
ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવા માટે ભાજપે સરકાર અને સંગઠને પુરજોશમાં તૈયારીઓ કરી હોવાનું પક્ષ ના જ સિનિયર નેતાએ જણાવ્યું હતું, જેમાં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આગામી દિવસોમાં ધડાધડ નિર્ણયો લેવામાં આવી શકે છે. એટલું જ નહીં, વિધાનસભાનું બજેટસત્ર પણ ટૂંકું કરીને માત્ર વોટ ઓન એકાઉન્ટ રજૂ થઈ શકે છે, જેથી પ્રજાલક્ષી નીતિઓ અને કાયદાઓ પસાર કરવામાં આવશે, સાથે સાથે ચૂંટણીલક્ષી વોટ ઓન એકાઉન્ટ પસાર કરવામાં આવી શકે છે.
જુનિયર મંત્રઓની પટેલ સરકાર માટે વિધાનસભામાં ફુલ બજેટ રજૂ કરી પસાર કરવામાં ઘણું મોટું જોખમ આવી શકે છે, કેમ કે નવા મંત્રીઓ માટે વિપક્ષનો સામનો કરવો મુશ્કેલ બની શકે તેમ છે, સાથે સાથે સરકારની નિષ્ફળતાના વિવિધ મુદ્દાઓ સાથે વિપક્ષ સરકારને ભીંસમાં લેવાની સાથે પ્રજામાં ભાજપ સરકાર પ્રત્યે અણગમો ઊભો કરે તો ચૂંટણીમાં ભાજપને ફટકો પડી શકે તેમ છે. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યો છે. એ સંજોગોમાં જુનિયર સરકારને કારણે ભાજપને કોઈ નુકસાનના ન જાય એ માટે પણ સાવચેતી સાથે આગળ વધી રહ્યો છે.