કોવિડ-19 બાદ આર્થિક ગતિવિધિઓ તો વધી છે. પરંતુ સામે કંપનીઓમાં કર્મચારીઓને જાળવી રાખવાના પડકારો પણ વધ્યાં છે. જેના ઉકેલ પેટે આગામી વર્ષે કંપનીઓ પગારમાં 9.3 ટકાનો વધારો આપશે. જે 2021માં આપવામાં આવેલા 8 ટકા વધારા કરતાં વધું છે.ગ્લોબલ એડવાઈઝરી બ્રોકિંગ એન્ડ સોલ્યુશન કંપની વિલીસ ટાવર્સ વોટ્સન દ્વારા જારી સેલેરી બજેટ પ્લાનિંગ રિપોર્ટ અનુસાર, 2021માં વાસ્તવિક પગારમાં 8 ટકા વૃદ્ધિ સામે આગામી વર્ષે પગારમાં 9.3 ટકા વધારો થવાનો અંદાજ છે. આગામી 12 માસમાં બિઝનેસ આઉટલુકમાં સુધારાના આશાવાદ સાથે ભારતનો અપેક્ષિત પગાર એશિયા-પેસિફિકમાં સૌથી વધુ રહેશે.મે-જૂન દરમિયાન હાથ ધરાયેલા ઓનલાઈન સર્વેમાં એશિયા-પેસિફિકના 13 બજારોમાંથી 1405 કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં ભારતની 435 કંપનીઓ જોડાઈ હતી. રિપોર્ટ મુજબ, ભારતની 52.2 ટકા કંપનીઓ આર્થિક રિકવરી પુરજોશમાં થઈ રહી હોવાથી આગામી વર્ષ માટે પોઝિટીવ બિઝનેસ રેવન્યુ આઉટલુક ધરાવે છે.2020ના ચોથા ત્રિમાસિકમાં 37 ટકા કંપનીઓ પોઝિટીવ બિઝનેસ આઉટલુક ધરાવતી હતી. 30 ટકા કંપનીઓ નવી ભરતીમાં વધારો કરશે. જે 2020ની તુલનાએ ત્રણગણી વૃદ્ધિ દર્શાવે છે. એન્જિનિયરિંગ સેગમેન્ટમાં 57.5 ટકા, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં 53.4 ટકા, ટેક્નિકલી સ્કિલ્ડ ટ્રેડ્સમાં 34.2 ટકા, સેલ્સમાં 37 ટકા, ફાઈનાન્સમાં 11.6 ટકા કંપનીઓ ઉંચા પગારે નોકરી આપવા ઈચ્છુક છે.
ભારતનો એટ્રિશન રેટ અન્ય દેશોની તુલનાએ ઓછો
ભારતનો એટ્રિશન રેટ અન્ય દેશોની તુલનાએ ઓછો છે. સ્વૈચ્છિક ધોરણે નોકરી છોડી જવાનો દર 8.9 ટકા જ્યારે બિનસ્વૈચ્છિક ધોરણે એટ્રિશન રેટ 3.3 ટકા છે. બિઝનેસમાં વૃદ્ધિના આશાવાદ સાથે પગાર અને ભરતીમાં વધારો નોંધાશે.
કર્મચારીના કલ્યાણ માટે લાભો વધારવાની જરૂર
કુશળ કર્મચારીઓની અછત અને જાળવી રાખવા પડકારરૂપ છે. કર્મચારીઓના મૂલ્યાંકનમાં આકર્ષક પગાર ઉપરાંત તેમના કલ્યાણ માટે વધુ લાભો, અપસ્કિલિંગ અને કર્મચારીના અનુભવમાં મોટાપાયે ફોકસ વધારવાની જરૂર છે. કોરોના મહામારી બાદ કંપનીઓએ પોતાના કર્મચારીઓના કલ્યાણ પાછળ રોકાણ વધાર્યું છે. > રાજુલ માથુર, કન્સલ્ટિંગ લીડર, વીલીસ ટાવર્સ વોટ્સન