કોરોનાનો નવા વેરિયન્ટ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન ICMRએ મોટો નિર્ણય લીધો છે. ICMRએ ઓમિક્રોનની તપાસ કરનારી પ્રથમ કિટને મંજૂરી આપી છે. એને ટાટા મેડિકલે તૈયાર કરી છે. એનું નામ Omisure છે.
ટાટા એમડી ચેક RT-PCR ઓમિશ્યોર
ટાટા મેડિકલ, મુંબઈની કિટને મંજૂરી 30 ડિસેમ્બરે મળી ગઈ હતી. જોકે આ અંગેની માહિતી હવે જાહેર કરવામાં આવી છે. અત્યારસુધી ઓમિક્રોનની તપાસ કરવા માટે બીજી કિટનો ઉપયોગ થઈ રહ્યો છે. આ મલ્ટિપ્લેક્સ કિટનું અમેરિકાની થર્મો ફિશર દ્વારા માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. આ કિટ એસ-જીન ટાર્ગેટ ફેલિયર (SGTF) સ્ટ્રેટેજીથી ઓમિક્રોન છે કે નહીં એ અંગેની તપાસ કરે છે. હવે ટાટાની જે કિટને મંજૂરી આપવામાં આવી છે એનું નામ ટાટા એમડી ચેક RT-PCR ઓમિશ્યોર છે.
દેશમાં ઝડપથી વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ
ઓમિક્રોન કોરોનાનો નવો વેરિયન્ટ છે. એને ડેલ્ટા કે ડેલ્ટા પ્લસ જેટલો ઘાતક માનવમાં આવી રહ્યો નથી, જોકે એની સરખામણીએ એ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને 1892 થઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 568 અને 382 કેસ છે. ઓમિક્રોનના 1892 દર્દીમાંથી 766 દર્દી સાજા થઈ ગયા છે.
કેન્દ્રએ રાજ્યોને કહ્યું- ધ્યાન રાખજો, બાળકોની વેક્સિન મિક્સ ન થઈ જાય
કેન્દ્ર સરકારે રાજ્યોને 15થી 18 વર્ષ સુધીના યંગસ્ટર્સને વેક્સિન આપવા સમયે સૌથી વધુ સાવધાની રાખવાની સલાહ આપી છે. સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોને વેક્સિનેશન દરમિયાન એ વાત ધ્યાનમાં રાખવાની કહી કે બાળકોની વેક્સિન મોટાઓની વેક્સિનની સાથે મિક્સ ન થઈ જાય. આ માટે તેમણે રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે બાળકોના વેક્સિન સેન્ટર મોટાઓથી અલગ તૈયાર કરવામાં આવે.
વધતા કોરોના સંક્રમણને પગલે બંગાળ સરકારે 3 જાન્યુઆરીથી મોટા ભાગની સંસ્થાનોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, સ્પા, સલૂન, બ્યુટિપાર્લર, પ્રાણી સંગ્રહાલય, એન્ટરટેઈનમેન્ટ પાર્ક સામેલ છે. બંગાળના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ જણાવ્યું હતું કે સોમવારે રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી ઓફિસ 50% ક્ષમતાની સાથે ખુલ્લી રહેશે. તમામ તંત્રની બેઠક પણ આ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં આયોજિત થશે.