વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, તમામ રેકોર્ડ પંજાબ હરિયાણા હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે સુરક્ષિત રાખવામાં આવશે. હવે મામલાની આગળની સુનાવણી સોમવારે થશે.
સુનાવણીમાં જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીનો સમાવેશ થાય છે. વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેંચ સમક્ષ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુનાવણી દરમિયાન મનિન્દર સિંહે કહ્યું કે, આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી પરંતુ SPG એક્ટ હેઠળનો મુદ્દો છે.સુનાવણી દરમિયાન સિંહે કહ્યું કે, આ એક જવાબદારી છે. આમાં કોઈ સંકોચ ન હોઈ શકે. આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે, માત્ર કાયદો અને વ્યવસ્થાનો જ નહીં અને રાજ્ય સરકારે કાયદાકીય સ્તરે તેનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ક્ષતિ રહી છે, આ મામલે સ્પષ્ટ તપાસ જરૂરી છે અને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી પણ જરૂરી છે. સિંહે કહ્યું કે, રાજ્ય સરકાર પાસે આ મામલે અથવા ખાસ કરીને SPG એક્ટ સંબંધિત મુદ્દાની તપાસ કરવાની સત્તા નથી અને કોર્ટે આ મામલે તપાસ કરવી જોઈએ.સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા સિંહે સ્પષ્ટ કર્યું કે, પોલીસ આ મામલે કોઈપણ રીતે તપાસ કરી શકે નહીં. તેમણે કહ્યું કે ભટિંડાથી ફિરોઝપુર સુધીના પુરાવા ભટિંડાની સ્થાનિક કોર્ટ દ્વારા લેવામાં આવે અને આ મામલે NIA દ્વારા તપાસ કરવામાં આવે. અરજદારે સુપ્રીમ કોર્ટને PMની સુરક્ષામાં ક્ષતિના મામલામાં NIA દ્વારા તપાસ કરાવવાની માંગ કરી હતી. અરજદારના એડવોકેટ મંદિર સિંહે બેંચને કહ્યું કે, પીએમની સુરક્ષામાં ક્ષતિના મામલાની તપાસ કેન્દ્ર અને રાજ્યની ઉપર થવી જોઈએ. આ સાથે તેમણે જણાવ્યુ કે, ભટિંડાના સ્થાનિક ન્યાયાધીશને જે પણ પુરાવા આપવામાં આવે છે તેની તપાસ થવી જોઈએ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક માટે કેન્દ્ર પંજાબ પોલીસના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી પર વિચાર કરી રહ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકાર પંજાબના અધિકારીઓ વિરૂદ્ધ એસપીજી એક્ટની કલમ 14 હેઠળ કાર્યવાહી કરવા પર માહિતી લઈ રહ્યા છે. એસપીજી એક્ટની કલમ 14 પીએમની સુરક્ષા માટે રાજ્યોની જવાબદારી સાથે સંબંધિત છે.