
પહલગામ આતંકી હુમલાનો ભારતીય સેનાને પાકિસ્તાનને જડબાતોડ આપ્યો છે. આ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલી વખત ગાંધીનગર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ગાંધીનગરમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાપ્રધાન મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગાંધીનગરમાં રોડ શો બાદ તેમણે મહાત્મા મંદિરમાં ₹5,536 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ દરમિયાન તેમણે ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠના સમારંભમાં જનમેદનીને સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાની કાર્યવાહીના પુરાવા માંગનારા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, ‘આ વખતે પુરાવા આપવા નહીં પડે, કારણ કે આ વખતે ઉપરવાળો પુરાવા આપી રહ્યો છે. હું 2 દિવસથી ગુજરાતમાં છું. ગઈકાલે હું વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ ગયો અને આજે ગાંધીનગર આવ્યો છું. હું જ્યાં જ્યાં ગયો ત્યાં દેશભક્તિનો જુવાળ હોય તેવું લાગી રહ્યું હતું. ગર્જના કરતો સિંદૂરિયો સાગર અને લહેરાતો તિરંગો જન-જનના હૃદયમાં માતૃભૂમિ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતો હતો. આવો નજારો અને આવો દ્રશ્ય હતું. આ માત્ર ગુજરાતમાં જ નહીં, હિન્દુસ્તાનના ખૂણે ખૂણે છે. શરીર ભલે ગમે તેટલું સ્વસ્થ હોય, પણ જો એક કાંટો વાગે તો આખું શરીર પરેશાન થઈ જાય છે. અમે નક્કી કર્યું છે કે તે કાંટાને કાઢીને જ રહીશું.’વડાપ્રધાન મોદીએ ભારત-પાકિસ્તાનના ભાગલાની વાત કરતા કહ્યું કે, ‘વર્ષ 1947માં મા ભારતીના ટુકડા થયા, ત્યારે સાંકળો કપાવી જોઈતી હતી પણ ભુજાઓ કાપી નાખવામાં આવી. દેશના 3 ટુકડા કરી દેવામાં આવ્યા. તે જ રાત્રે પહેલો આતંકવાદી હુમલો કાશ્મીરની ધરતી પર થયો. મા ભારતીનો એક ભાગ આતંકવાદીઓના દમ પર મુજાહિદ્દીનોના નામે પાકિસ્તાને હડપ કરી લીધો. જો તે જ દિવસે આ મુજાહિદ્દીનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોત, સરદાર પટેલની ઈચ્છા હતી કે જ્યાં સુધી PoK પાછું ન આવે ત્યાં સુધી સેના રોકાવી ન જોઈએ, પણ સરદાર સાહેબની વાત કોઈએ માની નહીં. આ મુજાહિદ્દીનો જે લોહી ચાખી ગયા હતા તે સિલસિલો 75 વર્ષથી ચાલ્યો આવે છે. પહલગામમાં પણ તેનું જ વિકૃત રૂપ હતું. 75 વર્ષ સુધી આપણે સહન કરતા રહ્યા. પાકિસ્તાન સાથે જ્યારે યુદ્ધનો પ્રસંગ આવ્યો ત્યારે ત્રણેય વખત ભારતની સૈન્ય શક્તિએ પાકિસ્તાનને ધૂળ ચટાડી. પાકિસ્તાન સમજી ગયું છે કે તે ભારતથી જીતી શકતું નથી.
અલગ અલગ જિલ્લામાંથી લોકોનું આગમન શરૂ

મહિલાઓમાં ઉત્સાહ જોવા મળ્યો
