‘જેને તમે પોતાના કહો છો, તે જ આગળ જઈને તમારો વિશ્વાસ તોડે છે. રાવણ અને વિભિષણ એક જ કોખમાંથી જન્મ્યા હતા, પરંતુ એકને દુનિયામાં દુષ્ટતાનું પ્રતીક અને બીજાને સારાનું પ્રતીક માનવામાં આવે છે. અત્યાર સુધી જાસૂસીના કરિયરમાં મેં એક જ વસ્તુ જોઈ છે કે લાસ્ટમાં આરોપીતો કોઈ ઘરની જ નીકળે. આ પ્રોફેશનની સારી વાત એ છે કે, આ સત્યને ઉજાગર કરતું પ્રોફેશન છે.’ આ શબ્દો છે દેશની પ્રથમ ડિટેક્ટિવ રજની પંડિતના.
જાસૂસ રજની પંડિત
મુંબઈમાં મોટી થયેલી રજનીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, જિંદગીમાં સુખી રહેવા માટે આજુબાજુ શું ચાલી રહ્યું છે, તેની પર નજર રાખવી જરૂરી છે. નહીં તો કોઈ એક ઘટનાથી આખી જિંદગીનો બદલાય જાય છે. 22 વર્ષની હતી ત્યારથી જાસૂસ બનવાનું વિચાર્યું હતું. ત્યારથી લઈને આજે 55 વર્ષ સુધી મેં ઘણીવાર જીવ જોખમમાં મૂક્યો છે, પણ કહેવાય છે ને કે જાકો રાખે સાઈયાં, માર શકે ના કોઈ. મૃત્યુ જ્યારે આવવાનું હશે ત્યારે આવશે, હું પણ તે રોકી નહીં શકું.
સફરની શરૂઆત કેવી રીતે થઈ?
‘મેં બાળપણથી નક્કી નહોતું કર્યું કે, મારે ડિટેક્ટિવ જ બનવું છે કે શેરલોક હોમ્સ વિશે પણ વાંચ્યું નહોતું. મારા પિતા CIDમાં હતા આથી મેં ઘરમાં આરોપીઓ વિશે વાત થતા સાંભળી હતી. જાસૂસ બનવાની શરૂઆત મારી મિત્રથી થઈ. હું જેમની સાથે બેસતી હતી તેઓ નોર્મલ લોકો નહોતા, પણ આરોપી હતા. છોકરીના આ બિહેવિયર વિશે મારે તેના પરિવારને કહેવું હતું. મેં કોલેજમાં કહ્યું, મારી મિત્રને સરપ્રાઈઝ ગિફ્ટ આપવી છે, આથી તેના ઘરનું એડ્રેસ જોઈએ છે. તેના ઘરે ગઈ અને પેરેન્ટ્સને બધું જણાવ્યું. તે છોકરીના પેરેન્ટ્સને મારી વાત પર વિશ્વાસ નહોતો અને મેં તેમને નજર સામે પુરાવા આપ્યા. આ જોઈને તેમણે કહ્યું, ‘તું તો સ્પાય છે!’ ‘જાસૂસ’ આ શબ્દ.પહેલીવાર મારા કાને પડ્યો હતો.’
‘નોકરીની સાથે કેસ સોલ્વ કર્યો’
કોલેજ પછી ક્લર્કની નોકરી મળી. ત્યાં મેં જોયું કે બધાને કોઈને કોઈ પણ શંકા છે. શંકાને લીધે ઘણા લોકો રાતે ઊંઘી શકતા નથી. એક વાર ઓફિસમાં મારી સાથે કામ કરતી મહિલાએ કહ્યું કે, મારા ઘરમાં ચોરી થઈ ગઈ છે અને મને પુત્રવધૂ પર શંકા છે. મેં તે કેસ હાથમાં લીધો અને દરેક પાસા તપાસ્યા પછી ખબર પડી કે, ચોરી મહિલાના દીકરાએ જ કરી હતી.
મારી લાઈફને ટર્નિંગ પોઈન્ટ સાબિત કરનારા કેસમાં મારા જીવને ફુલ જોખમ હતું. આ કેસ મર્ડરનો હતો. મુંબઈમાં પિતા અને દીકરાની હત્યા હતી. મેં કેસ સ્ટડી કર્યો અને તે ઘરની મહિલાઓ પર નજર રાખવાનું શરૂ કર્યું. ઘણા દિવસ ધ્યાન રાખવા જતા મને કઈ પુરાવા ના મળ્યા.
કેસ સોલ્વ કરવા નોકરાણી બની ગઈ
મસાજવાળી સાથે કામવાળી બનીને તે ઘરમાં એન્ટ્રી લીધી. ઘરમાં કોણ આવી રહ્યું છે, કોણ જઈ રહ્યું છે, આ બધા પર નજર રાખતી અને રેકોર્ડિંગ પણ કરતી. એક વખત માલિકણે રેકોર્ડર જોઈ લીધું અને તેમને મારી પર શંકા ગઈ.
ઘરેથી નીકળવા મારા જ પગ પર ઇજા પહોંચાડી
6 મહિના સુધી તે ઘરમાં કામ કર્યા પછી એક દિવસ હત્યારા સાથે ભેટો થઈ ગયો. એક વ્યક્તિ તે મહિલાને મળવા આવ્યો હતો. બંનેની વાતો સાંભળીને ખબર પડી કે તેણે જ મર્ડર કર્યું છે. હું રસોડામાં ગઈ અને પગ પર ચપ્પુથી ઇજા કરી ડૉક્ટરબે દેખાડવાના બહાને ઘરેથી બહાર નીકળી. પોલીસને ફોન કર્યો અને હત્યારાની ધરપકડ થઈ ગઈ. તે હત્યારો બીજો કોઈ નહીં પણ મહિલાનો પ્રેમી હતો.
ઘરે મારા કામની ખબર પડી
આ કેસ પછી મારું નામ અને કામ લોકોને ખબર પડવા લાગી અને કેસનો ઢગલો થઈ ગયો. ઘરે મારા કામની ખબર પડી ત્યારે તે લોકોની બીક હતી કે મારો જીવ ના જતો રહે, પરંતુ મેં વિશ્વાસ અપાવ્યો કે આ કામ મને સારું લાગે છે. આથી જ મારે કરવું છે.
જાસૂસીનો બિઝનેસ શરૂ કર્યો
અનુભવ મળ્યા પછી વર્ષ 1991માં જાસૂસીનો બિઝનેસ શરૂ કર્યો. આ બિઝનેસ માટે લાઇસન્સ લેવા ગઈ ત્યારે મને મોઢે કહી દીધું હતું કે, લાઇસન્સ નહીં મળે, કોઇ સિનિયર પોલીસ અધિકારી સાથે મળીને કામ કરી લે, પરંતુ હું જિદ્દી હતી અને મારો બિઝનેસ શરૂ કર્યો.
કેસ સોલ્વ કરવા એક્ટિંગ કરી
હું એક્ટર નથી પણ કેસ સોલ્વ કરવા માટે બહેરી, મૂંગી, આંધળી અને પાગલની એક્ટિંગ કરું છું. અને હા, ડિટેક્ટિવ એટલે કાળી ટોપી, કાળા બૂટ અને હાથમાં સિગાર નહીં પણ, તેમને નોર્મલ કપડાંમાં રહેવાનું હોય છે. જેથી કોઈ ઓળખી ના શકે.
એક કેસમાં તો હું પ્રેગ્નન્ટ મહિલા પણ બની હતી. કોઈ કેસ સોલ્વ કરવા માટે જરૂરી નથી કે તમારે જ વેશ પહેરવાનો હોય, વેશ તો સમય પર પ્રમાણે બદલાતા રહે છે. આથી જ કહેવામાં આવે છે કે, ડિટેક્ટિવ બનતા નથી પણ જન્મે છે. મને કોઈએ ટ્રેનિંગ નથી આપી. બધું જાતે જ શીખી.
80 હજારથી વધારે કેસ સોલ્વ કર્યા
મારા જન્મ સમયે જ્યોતોષીએ કહ્યું હતું, આ છોકરી કોઈ અલગ જ ક્ષેત્રમાં સફળ થશે અને તેમની વાત પણ સાચી થઈ. દેશ જ નહીં પણ વિદેશમાં પણ લોકો અમને ઓળખે છે. અત્યાર સુધી મેં આશરે 80 હજારથી વધારે કેસ સોલ્વ કર્યા છે. હું ‘ફેસિસ બિહાઇન્ડ ફેસિસ’ અને ‘માયાજાલ’ નામની બે બુક પણ લખી ચૂકી છું.
આટલા સમય સુધી આ પ્રોફેશનમાં રહ્યા પછી મને લાગે છે કે, જો સંતાનને ડિટેક્ટિવ બનવું છે તો તેને રોકવો ના જોઈએ, પરંતુ સપોર્ટ કરવો જોઈએ. મૃત્યુ આવવું હશે ત્યારે આવશે, પણ તેનાથી ડરીને આ પ્રોફેશનથી મોઢું ના ફેરવો.