પૂજાની થીમ છે, ‘માયર હાતે માયેર અબહોન’, જેનો અર્થ થાય છે ‘માં ના હાથે જ થશે માં ની પૂજા.
આ વર્ષે દુર્ગા પૂજામાં કોલકાતા એક ઐતિહાસિક પરિવર્તનનું સાક્ષી બનશે. કોલકાતાની 66 પલ્લી દુર્ગા પૂજા કમિટીએ એક ઐતિહાસિક પગલું ઉઠાવતા આ નિર્ણય કર્યો છે કે આ વર્ષે ક્લબની દુર્ગા પૂજા પુરુષ પૂજારીના સ્થાને 4 મહિલા પૂજારી સંપન્ન કરાવશે.
ગત વર્ષના અંતમાં પૂજા સમિતિના વયોવૃદ્ધ પૂજારીના નિધન પછી આ નિર્ણય લેવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં માતા દુર્ગાની પાંચ દિવસીય પૂજા હશે અને બંગાળની દુર્ગા પૂજા વિશ્વવિખ્યાત છે.
આ મહિલાઓની પૂજા કરાવવાની શૈલી પણ જુદી છે. અહીં મંત્રો સાથે રવીન્દ્ર સંગીત, રજનીકાંતા, દ્વિજેન્દ્ર સંગીત જેવા સંગીત કાર્યક્રમોનું પણ આકર્ષણ છે. ડૉ. નંદિની ભૌમિક, રૂમા રોય, સેમાંતી બેનર્જી અને પોલોમી ચક્રવર્તી એક દસકાથી લગ્નો, ગૃહપ્રવેશ જેવાં આયોજનો કરે છે, પરંતુ સાર્વજનિક દુર્ગા પૂજામાં તેમણે પહેલીવાર ભાગ લીધો છે.
પશ્ચિમ બંગાળે નવરાત્રિમાં મહિલા સશક્તીકરણની અનોખી મિસાલ રજૂ કરી છે. દર વર્ષે દુર્ગા પૂજા નિમિત્તે કંઈક નવું કરવા જાણીતા દક્ષિણ કોલકાતા ક્લબમાં પહેલીવાર સાર્વજનિક દુર્ગા પૂજા ચાર મહિલા દ્વારા થઈ રહી છે. ઈતિહાસમાં પહેલીવાર સાર્વજનિક દુર્ગા પૂજા મહિલા કરશે એવો નિર્ણય લેવાયો છે.
આ ક્લબમાં પૂજા કરાવતી 66 પલ્લી પૂજા સમિતિના સભ્ય પ્રદ્યુમ્ન મુખર્જી કહે છે, ‘આવું પહેલાં ક્યારેય નથી થયું કે ખૂંટી પૂજા (પંડાલ બનાવવાની શરૂઆતની પૂજાથી વિજ્યાદશમી સુધીની પૂજા કોઈ મહિલા પૂજારીઓએ કરી હોય. અમે નવી પરંપરા શરૂ કરી છે.’મહિલા પૂજારી ગ્રુપનું કહેવું છે કે નિયમિત પુજારી સામે તેમની પાસે કોઈ નેતૃત્વ કે મુખ્ય પૂજારી નથી. તેમનો ઉદ્દેશ્ય લોકોને આ અંગે શિક્ષિત કરવાનો છે. સદીઓ જુની પરંપરાઓને ધ્યાનમાં રાખતા અનુષ્ઠાન કેવી રીતે કરવું. તેઓ અન્ય મહિલાઓને બહાર આવવા માટે અને આગળ વધવામાં મદદ કરે. ચારેય મહિલા પૂજારી એક દાયકાથી લગ્ન, ગૃહ પ્રવેશ જેવા આયોજનો કરાવે છે, પરંતુ પૂજારીની રીતે જાહેર પૂજા કરાવતા નથી.