ડૉલરની તુલનાએ ગગડતાં રૂપિયાને બચાવવા અને ચાલુ ખાતાની ખોટને ઘટાડવા ઉપરાંત દેશમાં પેટ્રોલ-ડીઝલની પર્યાપ્ત ઉપલબ્ધતા જાળવી રાખવાના પ્રયાસ હેઠળ સરકારે પેટ્રોલ-ડીઝલ અને વિમાનના ઈંધણ એટલે કે એવિએશન ટર્બાઈન ફ્યૂઅલ(ATF)ની નિકાસ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી અને સેસમાં વધારો કર્યો છે.પેટ્રોલ પર 6 રૂપિયા, ડીઝલ પર 13 રૂપિયા અને એટીએફ પર 6 રૂપિયા પ્રતિલિટર એક્સપોર્ટ ડ્યૂટી લગાવવાની જાહેરાત કરાઈ છે. જ્યારે ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા અને વેદાંતા લિમિટેડ જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઓઈલના ઉત્પાદન પર 23,250 રૂપિયા પ્રતિ ટનનો વધારાનો ટેક્સ ઝિંકાયો છે.ઘરેલુ સ્તરે ક્રૂડ ઓઈલના 2.9 કરોડ ટન ઉત્પાદનથી સરકારને વાર્ષિક 67,425 કરોડ રૂપિયા મળશે. સરકારે નિકાસકારોને તેમનો 50 ટકા પેટ્રોલ અને 30 ટકા ડીઝલ જથ્થો પણ ઘરેલુ બજારમાં વેચવા નિર્દેશ કર્યો છે. આ નિર્ણયની સૌથી વધુ અસર રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ અને નાયરા એનર્જી જેવી કંપનીઓ પર થશે. સરકારના આ નિર્ણય બાદ શુક્રવારે રિફાઈનરી અને પેટ્રોલિયમ કંપનીઓના શેરોમાં 7થી 15 ટકા સુધીનો કડાકો બોલાયો હતો.