સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી વર્ષે 1200 કરોડનો વેપાર કરતા 600 એકમ બંધ થઈ જશે, લોકોએ 5થી 7% વધુ કિંમત આપવી પડશે

0
7
ફૂડ અને પેકેજિંગ ઉદ્યોગમાં પ્લાસ્ટિકનો સૌથી વધુ ઉપયોગ થતો હોવાથી 20 હજાર લોકો નોકરી ગુમાવશે
10 હજાર હોટેલ-રેસ્ટોરાંએ સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કર્યું

અમદાવાદ : કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમમાં સુધારો કરી 120 માઈક્રોન સુધીની પ્લાસ્ટિક પ્રોડક્ટના ઉત્પાદન, વપરાશ, વિતરણ કે આયાત પર મૂકેલા સંપૂર્ણ પ્રતિબંધથી હવે ગ્રાહકોએ નિયમ મુજબની પ્લાસ્ટિક પેકેજિંગ પ્રોડક્ટ માટે 5થી 7 ટકા વધુ રકમ આપવી પડશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર અમલમાં આવેલા પ્રતિબંધને કારણે અમદાવાદમાં અંદાજે 600 સહિત રાજ્યભરમાં 3 હજાર એકમ બંધ થશે અને 6 હજાર કરોડના પ્લાસ્ટિકના વેપારને અસર થઈ શકે છે. પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોના કહેવા મુજબ એકમો બંધ થવાથી 20 હજાર લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવશે.સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સૌથી વધુ ઉપયોગ કરતી ફૂડ ઈન્ડસ્ટ્રીએ અગાઉથી જ આ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી દીધો હતો. જે વસ્તુઓમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હતો તેની કિંમત 5થી 7 ટકા વધી ગઈ છે અને આ વધારાનો બોજ ગ્રાહકોએ ભોગવવો પડશે. સરકારના પરિપત્ર બાદ શહેરમાં 121 માઇક્રોનથી પાતળી કેરી બેગ પર પ્રતિબંધ આવ્યો છે. આવી પ્લાસ્ટિક બેગનો સૌથી વધુ વપરાશ ખાણીપીણી, શાકભાજી માર્કેટમાં થતો હોય છે.રાજ્યમાં પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરતા 12થી 15 હજાર યુનિટ છે. જેમાંથી 3 હજાર યુનિટ બંધ થશે. ઉત્પાદક આ પ્રોડક્ટનું ઉત્પાદન કરશે તો પર્યાવરણ સંરક્ષણ એક્ટની કલમ 15 હેઠળ 7 વર્ષની કેદ અને 1 લાખ રૂ. સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. ચિપ્સ પેકેટ-ગુટખાના પાઉચ પર બેન અંગે હજુ સ્પષ્ટતા નથી.સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે ઘાતક મનાય છે કેમ કે તે ન તો ડિકમ્પોઝ થાય છે અને ન તો તેને બાળી શકાય છે.મ્યુનિ. કમિશનરના જાહેરનામા પ્રમાણે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના અમલ માટે 48 વોર્ડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ પ્લાસ્ટિકના વપરાશ અને હોલસેલ વેચાણ વિક્રેતાઓ સામે કાર્યવાહી કરશે. આ ટીમ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ 2016 હેઠળ પગલાં લેવામાં આવશે. તે ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ માટે જનજાગૃતિ લાવવા માટે એન્ફોર્સમેન્ટ સ્ક્વોડની પણ રચના કરવામાં આવશે. સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટરની અધ્યક્ષતામાં અમલીકરણ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. તેમજ મ્યુનિ. દ્વારા આવા વેપારીને સમાધાન શુલ્ક અને વહીવટી ચાર્જ ભરી દેવા માટે 7 દિવસનો સમય અપાશે અને તે બાદ આ રકમ જમા નહીં કરાવનાર વેપારીની મિલકત ટાંચમાં લેવાશે. અત્યાર સુધી 40 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હતો જે વધારી 120 માઈક્રોન કરાયો છે.ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. આ નિયમ અંગે કોર્પોરેશને માર્ગદર્શન આપ્યું હતું. મોટા ભાગના હોટલ અને રેસ્ટોરાં સંચાલકોએ શપથ લઇને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. જેથી શહેરના 10 હજાર હોટલ-રેસ્ટોરાંમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી દેવાયો છે. સિંગલ યુઝ પ્લાસ્ટીકની જગ્યાએ નિયમ મુજબના પ્લાસ્ટિકનો વપરાશ કરવામાં આવે તો ભાવમાં 5થી 7 ટકાનો વધારો થયો છે.કોઇપણ પ્લાસ્ટિક ક્યારેય સિંગલ યુઝ હોતુ નથી. 25 માઇક્રોન જાડાઇ ધરાવતી વસ્તુનું પણ રિ-સાઇકલિંગ થાય છે. પ્રતિબંધને બદલે લોક જાગૃતિની જરૂર છે. પ્રતિબંધ કાયમી રસ્તો નથી. સરકારના નિર્ણયથી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદકોએ મશીનરી બદલવી પડશે અને કેટલાક યુનિટ બંધ થઇ જશે. અમે પર્યાવરણને બચાવવા સરકારની સાથે છીએ. પરંતુ, આ નિર્ણયને હજી થોડા સમય માટે લંબાવવો જોઇએ. સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થવાથી કેટલીક વસ્તુની કિંમતો વધી જશે.