રોજ પેટ ભરવાના ફાંફા હતા. તેવામાં શું સપનાં જોવું! આથી મેં સપનાં જોવાના બંધ કરી દીધા. મેં નક્કી કરી લીધું કે જિંદગીમાં કંઈક મેળવીશ નહીં તો જિંદગી આમ જ પૂરી થઈ જશે, પરંતુ લાઈફમાં એક એવી મુમેન્ટ આવી ત્યારે મેં સપનાં જોવાના શરૂ કર્યા અને તેને પૂરા કરવા માટે મહેનત શરૂ કરી દીધી. આજે તે મહેનતને લીધે જ સબ-ઇન્સ્પેક્ટર બની શકી છું અને રાજસ્થાનના અલ્વરમાં પોસ્ટેડ છું. આ સ્ટોરી છે ઉત્તર પ્રદેશના બુલંદશહેરના સિરોધન ગામમાં ઉછેરેલી છોકરી મીનુ પ્રજાપતિની હું એક એવા પરિવારમાં ઉછરી જ્યાં મજૂરી પછી પણ ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. બીજાના ખેતરમાં કામ કરવા જતી આથી રોજ સ્કૂલે જઈ શકતી નહોતી. ઘરના નામે માત્ર ઈંટ ગોઠવેલી હતી. પિતા કેવા હોય તે અમને ખબર જ નહોતી. માતા સાથે મજૂરી કરીને પેટ ભર્યું.
‘પૈસા ના હોવાથી સ્પર્ધામાં ના જઈ શકી’
પપ્પા જીવતા હતા ત્યારે મોટી બહેને લગ્ન કરી લીધા. બીજી બહેનના પણ લગ્ન થઈ ગયા એ પછી મમ્મી પર દેવું વધી ગયું. આ ઉતારવા માટે માત્ર ખેતરમાં મજૂરી પૂરતી નહોતી. આથી બીજી એક બહેન સાથે નોઈડા આવી. અહીં એક કંપનીમાં કામ કર્યું. આ દરમિયાન સ્કૂલમાં એડમિશન લીધું, પરંતુ નોઈડાથી રોજ બુલંદશહેર આવવું મુશ્કેલ હતું. તેમ છતાં BA પાસ કર્યું. સ્પોર્ટ્સમાં હોંશિયાર હતી આથી ઘણી વાત ઇનામ જીતી. માતા પરથી દેવું ઉતારવા માટે સ્ટડી સાથે નોકરી કરી.
સંબંધીએ માર્ગ ચીંધ્યો
મારા એક સંબંધી સતબીરે મને કહ્યું, મીનુ એવું કંઈક કામ કર કે તને જીવન પર ગર્વ થાય. તું સારું દોડે છે. આમાં જ કરિયર બનાવી લે. મારી ટ્રેનિંગ શરૂ થઇ અને હું જવાહર લાલ નહેરુ સ્ટેડિયમ દોડવા પહોંચી ગઈ. વર્ષ 2016માં ધર્મશાળાના ઈન્ડિયા કેમ્પમાં જવાનો મોકો મળ્યો. ત્યાં મિત્રોએ કહ્યું, રાજસ્થાનમાં સબ-ઇન્સ્પેક્ટરની ભરતી પડી છે, ભરી દે. મેં ફોર્મ ભર્યું અને સ્પોર્ટ્સ ક્વોટામાંથી 2017માં જયપુરમાં પોસ્ટિંગ મળ્યું.