અમદાવાદ : ગુજરાતીઓ સાથે ઘણા ખરાબ બનાવ બની રહ્યા હોવા છતાં હજુ પણ કેટલાય પરિવારો અને યુવાનો કાયદેસર કે ગેરકાયદે રીતે અમેરિકા જવાની તાકમાં બેઠા છે. થોડા સમય પહેલાં જ અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતાં ગુજરાતી યુવાનો પકડાયા હતા, જેમની સામે હાલમાં અમેરિકામાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરે આ વર્ષની શરૂઆતમાં કેનેડાથી અમેરિકામાં ઘૂસવા જતાં ઠંડીને કારણે મોતને ભેટેલા જગદીશભાઈના પિતા બળદેવભાઈ સાથે વાત કરી હતી. વાત કરતાં કરતાં બળદેવભાઈ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. બળદેવભાઈ હાલમાં પત્ની મધુબેન, મોટા દીકરા મહેન્દ્ર અને તેના પરિવાર સાથે ડિંગુચા ખાતે જ રહે છે.બળદેવભાઈ કહે છે, અહીં કામ ઘણું છે, પણ એ કામ કોઈને પસંદ નથી. અહીં લોકોને મહેનત કરવી નથી અને દેખાદેખી પણ બહુ છે. અમેરિકાથી લોકો આવે એ ત્યાં મજૂરી કરતા હોય, પણ અહીં આવીને સાચું ન કહેતા હોય. અહીં સૂટબૂટ પહેરીને મોટી મોટી વાતો કરતા હોય છે, જેને લીધે અહીંના યુવાનો ભ્રમમાં જતા રહે છે અને અમેરિકા તરફ ખેંચાય છે. મોટો લાડવો ખાવા જાય છે અને ત્યાં ગયા બાદ ઘણા પસ્તાય પણ છે.આગળ તેઓ કહે છે, આ બધા લોકો આપણું માનતા નથી, પણ તેમને જવાનો એટલો આગ્રહ હોય છે કે આપણે શું કરીએ? મારો પોતાનો પુત્ર 36 વર્ષનો હતો. હું તેને એમ થોડી કહી શકું કે તું ના જઈશ. પોતે ભણેલોગણેલો હતો. મારે ખેતીનું મોટું કામ છે, અમને ખાવા-પીવાની કે બીજી કોઈ તકલીફ પડે એમ નથી, પરંતુ લોકોના હિસાબે એ (જગદીશ) પણ અમેરિકા જવા ખેંચાયો. જગદીશભાઇ મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હતું અને તેમનાં પત્ની ગ્રેજ્યુએટ થયેલાં હતાં. તેમને નોકરીની બહુ જરૂર હતી જ નહીં. થોડો સમય તેમણે ગાંધીનગર કોલેજમાં નોકરી કરી હતી. મારે ખેતી એટલો મોટી છે કે મારે ખુદને માણસની જરૂર હોય છે. એ મોટા ભાગે મારી સાથે જ રહેતો હતો.તેમણે ઉમેર્યું હતું કે અમેરિકાથી દર છ મહિને એક ભાઈ અમારા ગામમાં આવે છે અને મોટી મોટી વાત કરતા હોય છે. તેના ત્યાં લોકો જાય છે. એ ત્યાં લોકોને રાખે છે અને કામ પણ આપે છે. અહીંથી જતા લોકો પાસે મજૂરી કરાવીને પગાર આપવામાં ગલ્લા-તલ્લા કરે છે. પછી અમુક મહિનાઓ પછી કામ પર રાખેલા છોકરાઓને અવનવાં બહાનાં બનાવી પગાર આપવામાં ધાંધિયા કરે છે અને છેવટે કંટાળીને તે યુવાન નોકરી છોડીને ભાગી જાય છે.પરિવારને યાદ કરીને રાતોની રાતો નીકળી જાય છે. તમે નહીં માનો. એટેક આવે એવું થઈ જાય છે. ખાલી આવતો નથી. બેબી હતી ગોપી સાતમામાં ભણતી હતી. એનો પહેલો નંબર આવતો હતો. 98, 99, 100 ટકા સુધીનું એનું રિઝલ્ટ આવતું હતું. ઓછા માર્ક આવે તો એ ઝઘડતી કે મારું સાચું છે ને તમે ખોટું કેમ આપ્યું છે? તેમની સાથેના એકેએક પ્રસંગો યાદ છે. ભાવુક થઈને કહે છે, ‘તેમની જવાની પ્રોસેસ ચાલુ જ હશે. અમેરિકા ગયા તેના ચાર દિવસ પહેલાં જ બાબો ધાર્મિક કહેતો હતો કે દાદા, હું મરી જઉં? દાદા હું મરી જઉં? મેં તેને સમજાવ્યો કે કેમ બકા તું આવું બોલે છે? ત્યારે મારી પત્નીને મેં કહ્યું કે આ આવું કેમ બોલે છે? આને બહાર લઈ જા અને રમતે વાળ. મારા માટે તો લાસ્ટ મોમેન્ટ જ કહેવાય ને એ બધી! એ બધાની બહુ યાદ આવે છે પણ શું કરું? પછી મેં તેને સમજાવ્યો પણ ખરો. તેને ગાડીનાં નામો યાદ રહી જતા હતા. કંપનીની ગાડીઓનાં નામ મને નહોતા આવડતા એટલા તેને આવડતા હતા. ના ભાઈ ના, એને રહેવા માટે તો મેં વ્યવસ્થા કરી કરોડોમાં મકાન બનાવી આપ્યું. અહીં મારે બે મકાન છે. અમદાવાદમાં પણ છે. અમેરિકાની એવી કોઈ જરૂર નહોતી. મારી ઉંમરના કેટલાય માણસો અમેરિકા ગયા છે. મેં કદી પાસપોર્ટ પણ નથી કઢાવ્યો અને કદી મારે જવું પણ નથી. મારી સાથે ભણનારા કેટલાય માણસો અમેરિકા ગયા છે. 1975-76માં મારી સાથે કામ કરનારા એક ભાઈ અમેરિકા ગયા છે. તેઓ વર્ષોથી ત્યાં જ છે.હું જગદીશને કંઈ કહી શક્યો નહીં. તેણે મને કહ્યું કે પપ્પા, હું અમેરિકા જઉં છું. મેં કહ્યું, ભાઈ તારી ઈચ્છા. તને ઠીક લાગે એમ કર. તો તેણે કહ્યું, છોકરાઓના ભાવિ માટે જઉં છું. 36 વર્ષના છોકરાને ના પણ કઈ રીતે કહું? આ રીતે કેટલા બધા જાય છે પણ આપણને આવી કોઈ ગણતરી જ ના હોય.અહીંયાથી કેટલાંય મોકલનારા છે, જવાવાળા છે અને ત્યાં રાખવાવાળા પણ છે. એ રીતે કોન્ટેક્ટ થયો હોય તો આપણને શું ખબર પડે? હું તો આખો દિવસ ખેતરમાં હોઉં. એ ક્યારેક ખેતરમાં હોઈ, બીજું કામ કરે. ઘરે આવે. એ કલોલ રહેતો. બધો વહીવટ તેની પાસે જ હતો, મારા ઘરનો. કેટલો ખર્ચો કર્યો એ કંઈ ખબર નથી અને પૈસાની શું વેલ્યુ હોય? તેમની અંતિમવિધિ કેનેડામાં જ થઈ હતી. મારી પાસે તો પાસપોર્ટ જ નહોતો.જ્યારે જગદીશભાઇના ભાઈ મહેન્દ્રભાઇ સાથે વાત કરી તો તેઓ વાત કરવાની સ્થિતિમાં નહોતા. તેમણે કહ્યું, ‘અમારો પરિવાર આજની તારીખે પણ એ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. જગદીશભાઇ અને તેમના પરિવારની અંતિમવિધિ કરવા તેઓ કેનેડા પહોંચ્યા હતા, પરંતુ તેમને એરપોર્ટની બહાર જ ના નીકળવા દેવાતા ઘણું દુઃખ થયું હતું અને પરત ફર્યા હતા. ત્યાર બાદ કેનેડામાં રહેતા તેમના પિતરાઇ ભાઈએ જ જગદીશભાઇ અને તેમના પરિવારની અંતિમ વિધિ પૂરી કરી હતી.