અમદાવાદમાં APMCથી મોટેરા સ્ટેડિયમ અને થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે, મહત્તમ ભાડું 25 રૂપિયા હશે

0
12
દરેક ટ્રેનનો 320 કિ.મીનો ટ્રાયલ રન પૂરો થયો
ગુજરાત મેટ્રો રેલ સર્વિસ દ્વારા મેટ્રોની સર્વિસ લોન્ચ કરવા માટેની ફાઈનલ મંજુરી માટે જરૂરી પેપરવર્ક પૂર્ણ કરવામાં આવશે.

અમદાવાદ : અમદાવાદમાં મેટ્રો ટ્રેન આગામી નવરાત્રીમાં શરૂ થાય તેવી શક્યતાઓ છે. મેટ્રો ટ્રેન ફેઝ-1નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. APMCથી મોટેરા સ્ટેડિયમ તથા થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે. જોકે મેટ્રો ટ્રેનનું મહત્તમ ભાડું 25 હશે.અલગ અલગ સ્ટેશનની ટિકિટ રૂ 5, 10, 15, 20 અને 25 હશે. હાલમાં વરસાદની સિઝન હોવાથી મેટ્રોના ફાઈનલ ટચમાં થોડુ મોડું થયું છે. પરંતુ હવે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં અમદાવાદીઓ મેટ્રોમાં મુસાફરી કરી શકશે. હાલમાં ફેઝ-1નું કામ પૂર્ણ થવાના આરે છે. તેમજ ઉત્તર અને દક્ષિણ કોરિડોરમાં ટ્રેનનો ટ્રાયલ રન શરૂ કરી દેવાયો છે.મેટ્રો રેલ સેફ્ટી કમિશ્નર( CMRS) આવતા સપ્તાહમાં ફાઈનલ ઈન્સ્પેક્શન કરશે. CMRSની ટીમ ઓગસ્ટની 20 તારીખે અમદાવાદ આવશે અને સમગ્ર 40 કિ.મીના રૂટ પર નિરીક્ષણ કરશે. જ્યારે આ ટીમ નિરીક્ષણ પૂર્ણ કરશે ત્યાર બાદ ગુજરાત મેટ્રો રેલ સર્વિસ દ્વારા મેટ્રોની સર્વિસ લોન્ચ કરવા માટેની ફાઈનલ મંજુરી માટે જરૂરી પેપરવર્ક પૂર્ણ કરવામાં આવશે. CMRS દ્વારા આ સર્વિસની માન્યતા આપવા માટે 15થી 20 દિવસનો સમય લાગશે. ત્યાર બાદ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સર્વિસ શરૂ થઈ જશે.ગુજરાત મેટ્રો રેલ સર્વિસના મેનેજિંગ ડાયરેક્ટર એસ.એસ. રાઠોડે મીડિયાને જણાવ્યું હતું કે, મેટ્રો ટ્રેનના કામમાં ચોમાસાને કારણે થોડું મોડું થયું છે. ટ્રેનની સર્વિસ ચાલુ થાય તે પહેલાં જ દરેક ટ્રેનનો 320 કિ.મીનો ટ્રાયલ રન લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ આમ તો 2021માં પૂર્ણ કરવાનો ટાર્ગેટ હતો પરંતુ કોરોના સંક્રમણનું લોકડાઉન તથા કેટલીક કાયદાકીય બાબતોને કારણે તેને શરૂ કરવામાં અડચણો આવી હતી. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 12 હજાર 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.અમદાવાદીઓને મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે વધુમાં વધુ 25 રૂપિયા ટિકીટના થશે જ્યારે ઓછામાં ઓછા પાંચ રૂપિયા ટિકીટના થશે. દરેક સ્ટેશન પ્રમાણે ટિકીટના દરમા પાંચ રૂપિયાનો વધારો થશે. દા. ત ગુજરાત યુનિવર્સિટીથી કોમર્સ છ રસ્તા જવું હશે તો પાંચ રૂપિયા ટિકીટ થશે પરંતુ કોમર્સથી સરદાર પટેલ સ્ટેડિયમ જવું હશે તો પાંચ રૂપિયા ટિકીટના દરમાં વધી જશે.મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘીકાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો દિલ્લી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝુ તરફ જતા 30 મિનિટ થાય, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે. ટ્રેનના પાટાથી લઇ ટનલની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગયેલી દેખાય છે.ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો 21.16 કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 6.53 કિમી અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે. અંડરગ્રાઉન્ડ રૂટમાં કુલ ચાર સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યાં છે, જેમાં કાંકરિયા વેસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા અને શાહપુરથી સાબરમતી રિવરફ્રન્ટ સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે, જે પછી સાબરમતી નદી પર થઈને એલિવેડેટ કોરિડોરમાં જૂની હાઈકોર્ટ ઈન્કમટેક્સ સ્ટેશન સુધી પહોંચશે.અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે.21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈને કાંકરીયા પૂર્વમાં બહાર નીકળશે.