Badlapur Sexual Abuse Case Photo Viral: કોલકાત્તા આર જી કર મેડિકલ કૉલેજમાં થયેલ બળાત્કાર અને મર્ડરની ઘટનાની પીડિતાના ફોટો વાયરલ કરવા મામલે હાલમાં જ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતાં પગલાં લેવા નિર્દેશ કર્યો હતો. બીજી બાજુ મહારાષ્ટ્રના બદલાપુરમાં નર્સરીમાં અભ્યાસ કરતી બે બાળાઓ સાથે યૌન શોષણની ઘટનામાં અમદાવાદના એક પરિવારની તાજેતરમાં મૃત્યુ પામેલી બાળકીના ફોટો પીડિતાના ફોટો તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના લીધે પરિવાર ભારે સંતાપ અનુભવી રહ્યો છે. આ પરિવારે લોકોને ખોટા ફોટા વાયરલ નહીં કરવા માટે વિનંતી કરી છે. સાથે સાથે તેમણે પોતાના પરિવારની બાળકીનો ફોટો ખોટી રીતે વાયરલ કરનારાઓને શોધી કાઢી તેની વિરૂદ્ધ યોગ્ય પગલાં લેવા સાયબર ક્રાઇમ પોલીસને અરજી પણ કરી છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા જાધવ પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર તેમના પરિવારની દીકરીનું માત્ર ત્રણ જ વર્ષની વયે ડેન્ગ્યુના લીધે ગઈ તા 20મી ઑગસ્ટે અમદાવાદના નરોડાની હૉસ્પિટલમાં મૃત્યુ થયું છે. તેના કારણે પરિવાર ભારે માનસિક આઘાતમાં છે. તેવામાં હાલમાં બદલાપુર યૌન શોષણ કેસમાં આ બાળકીના ફોટો બદલાપુરની પીડિત બાળકીના ફોટો તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેના લીધે આ પરિવારની માનસિક વેદનામાં વધારો થયો છે. આ બાળકીએ બ્લેક તથા ગુલાબી રંગના વસ્ત્રો પહેર્યાં હોય તેવા તેના ફોટા બદલાપુરની પીડિત બાળકી તરીકે મૂકી પોસ્ટ કરવામાં આવી રહી છે તેવું આ પરિવારના સભ્યોએ જણાવ્યું છે.
ફોટો વાયરલ કરનારા વિરૂદ્ધ પગલાં લેવા માગ :
તેમણે મહારાષ્ટ્ર સરકાર તથા પોલીસને આ ફોટા વાયરલ થતાં અટકાવી તેમને ન્યાય અપાવવા માગણી કરી છે. સાથે સાથે તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને આવી ખોટી પોસ્ટ વાયરલ કરનારને શોધી કાઢવા, જવાબદારો સામે કાયદાકીય પગલાં ભરવા તથા ભવિષ્યમાં આ રીતે ખોટી પોસ્ટ વાયરલ ન થાય તે માટે યોગ્ય પગલાં ભરવા સહિતની માગણી કરતી એક અરજી પાઠવી છે.