Kolkata Rape Murder Case: 9 ઓગસ્ટના રોજ હોસ્પિટલના સેમિનાર રૂમમાંથી મહિલા તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સંબંધમાં બીજા દિવસે કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર રેપ અને પછી હત્યા કરવા બદલ સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી.નવી દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના ડોકટરોને ટાંકીને અધિકારીએ જણાવ્યું હતું કે કોલકાતા પોલીસનો સ્વયંસેવક રહેલો આરોપી સંજય રોયની ‘પ્રાણીઓ જેવી વૃત્તિઓ’ છે. સંજય રોયની મનોવિશ્લેષણાત્મક પ્રોફાઇલમાં મહત્વની બાબતોનો ખુલાસો થયો છે. સીબીઆઈ અધિકારીના જણાવ્યા મુજબ, રિપોર્ટ દર્શાવે છે કે તે એક વિકૃત વ્યક્તિ હતો અને અશ્લીલ સામગ્રી જોવાનો વ્યસની હતો. સીબીઆઈ અધિકારીએ કહ્યું, ‘આરોપીને કોઈ પસ્તાવો નથી અને તેણે ખચકાટ વિના ઘટનાની દરેક નાની-મોટી વિગતો જાહેર કરી. એવું લાગતું હતું કે તેને કોઈ પસ્તાવો નથી.’ રોયના મોબાઈલ ફોનમાંથી ઘણી અશ્લીલ સામગ્રી મળી આવી હતી, જેને કોલકાતા પોલીસે જપ્ત કરી હતી. બાદમાં કલકત્તા હાઈકોર્ટના આદેશ પર આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.સીબીઆઈ અધિકારીએ કહ્યું કે ટેકનિકલ અને વૈજ્ઞાનિક બંને પુરાવા સંપૂર્ણપણે સાબિત કરે છે કે આરોપી ગુનાના સ્થળે હાજર હતો. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજને ટાંકીને અધિકારીએ કહ્યું કે ફૂટેજમાં રોય 8 ઓગસ્ટના રોજ સવારે 11 વાગે ચેસ્ટ ડિપાર્ટમેન્ટ વોર્ડ પાસે જોવા મળ્યો હતો.
તમામ પુરાવા સંજય રોય વિરુદ્ધ :
ફૂટેજમાં સંજય 9 ઓગસ્ટના રોજ સવારે લગભગ 4 વાગ્યે ફરીથી એ જ બિલ્ડિંગમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. ઘણા ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓ આની પુષ્ટિ કરે છે. જો કે, અધિકારીએ ડીએનએ ટેસ્ટ વિશે કોઈ માહિતી આપી નથી. તેમજ અધિકારીઓએ આ કેસમાં લાગેલા આરોપો અંગે પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો કે આ સામૂહિક બળાત્કારનો કેસ નથી.સીબીઆઈ અધિકારીઓએ રોયના ભવાનીપુર નિવાસસ્થાનનું નિરીક્ષણ કર્યું હતું અને તેમના પરિવારના સભ્યો, પડોસીઓ અને કોલકાતા પોલીસ દળમાં તેમના સાથીદારો સાથે પણ વાત કરી હતી.8મી અને 9મી ઓગસ્ટ દરમિયાન સંજય રોય અલગ-અલગ બહાને કુલ ચાર વખત આર જી કર હોસ્પિટલની અંદર ગયો હતો. તેમાંથી ત્રણ વખત તે હોસ્પિટલની અંદર ગોળ ગોળ ફર્યો અને બહાર આવ્યો. પરંતુ તે ચોથી અને છેલ્લી વખત હોસ્પિટલમાંથી બહાર આવ્યો ત્યાં સુધીમાં તેણે તાલીમાર્થી તબીબનો રેપ અને હત્યા કરી હતી. પરંતુ મામલો આનાથી પણ આગળ વધે છે. તપાસમાં જાણવા મળ્યું કે સંજય રોય ઘટનાની રાત્રે હોસ્પિટલની નજીકના રેડ લાઇટ એરિયામાં ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તેણે રસ્તામાં એક યુવતીની છેડતી કરી હતી. બળાત્કાર અને હત્યાની ઘટના બાદ પણ તેણે એક મહિલાને કોલ કર્યો અને તેની સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું.