મોક ડ્રિલમાં સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોને સામેલ કરવાની શક્યતા
કેન્દ્રીય મંત્રીએ રાજ્યના સ્વાસ્થ્યમંત્રીઓને 8 અને 9 એપ્રિલે જિલ્લાતંત્ર અને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરવાની પણ સલાહ આપી હતી
કોરોનાના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમાં તૈયારીઓનું આકલન કરવા માટે 10 અને 11 એપ્રિલે આખા દેશમાં મોક ડ્રિલનું આયોજન કરાશે. તેમાં સરકારી અને ખાનગી બંને પ્રકારના સ્વાસ્થ્ય કેન્દ્રો સામેલ કરવાની શક્યતા છે.
જઝ્ઝર એઈમ્સની મુલાકાત લેશે માંડવિયા
અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા મોક ડ્રિલનું નિરીક્ષણ કરવા માટે 10 એપ્રિલે જઝ્ઝર એઈમ્સની મુલાકાત લેશે. મનસુખ માંડવિયાએ 7 એપ્રિલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી.
દવાઓનો સ્ટોક જાળવવા નિર્દેશ
તેમણે રાજ્યના સ્વાસ્થ્યમંત્રીઓને હોસ્પિટલની મુલાકાત લેવા તથા મોક ડ્રિલનું નિરીક્ષણ કરવાનો આગ્રહ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ તેમને 8 અને 9 એપ્રિલે જિલ્લાતંત્ર અને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરવાની પણ સલાહ આપી હતી. તેમણે રાજ્યોને સાવચેત રહેવા, ટેસ્ટિંગ તથા જીનોમ સિક્વન્સિંગ વધારવા, હોસ્પિટલોને તૈયાર રાખવા અને દવાઓનો સ્ટોક જાળવી રાખવા કહ્યું હતું.