કચ્છના મુદ્રા તાલુકામાં આવતા એક નાનકડા નવી નાડ ગામના ખેડૂતો ટાટા પાવર પ્લાન્ટના પ્રદુષણથી કંટાળી અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યા છે. જે સંદર્ભે વર્લ્ડ બેન્ક ગ્રુપના IFC( ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પ)એ 450 મિલિયન ડોલરની સહાય આ ટાટા પાવરને કરી હોવાથી ખેડૂતો વર્લ્ડ બેંકને US સુપ્રિમ કોર્ટમાં ઢસડી ગયા છે. ખેડૂતોએ કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આઈએફસીએ જે કંપનીને ફન્ડિંગ આપ્યું હતું. તેના દ્વારા હાલ પર્યાવરણને નુકશાન થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આઈએફસીએ કોલસાથી સંચાલિત ગુજરાતના મુદ્રા સ્થિત ટાટા પાવર પ્લાન્ટને 450 મિલિયન ડોલરનું ફાઈનાન્સ આપ્યું હતું.
IFCએ ટાટા મુદ્રા પાવર પ્લાન્ટને 450 મિલિયન ડોલરનું આપ્યું ફન્ડિંગ હતું
મુખ્ય અરજકર્તા બુધ્ધા ઈસમાઈલ જામ અને અન્ય ખેડૂતો અને માછીમારોએ કોર્ટમાં કરેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે આઈએફસીએ વર્ષ 2008માં ટાટા મુદ્રા પાવર પ્લાન્ટને 450 મિલિયન ડોલરની નાણાંકીય સહાય કરી હતી. અને તેની મદદથી કંપનીએ આ પ્લાન્ટની સ્થાપના કરી હતી. પરંતુ હાલ આ પ્લાન્ટના કારણે પર્યાવરણને નુકશાન થઈ રહ્યું છે. આ પ્લાન્ટની કુલિંગ સિસ્ટમમાંથી જે પાણી અને દૂષિત કચરો દરિયામાં છોડવામાં આવે છે. તેના કારણે દરિયાઈ જીવો મૃત્યુ પામે છે. અને પર્યાવરણને નુકશાન થાય છે. આ અંગે વધુમાં અરજીમાં એવા મુદ્દાની રજૂઆત કરવામાં આવી હતી કે આઈએફસીએ તેની ચોક્કસ શરતોનું પ્લાન કર્યું નથી.
IFCને યુએસ લો હેઠળ છૂટ અપાઈ હોવાની કરાઈ રજૂઆત
તાજેતરમાં કોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં એક કલાક સુધી જજે આઈએફસીને યુએસ લો હેઠળ છુટ આપી દેવામાં આવી હોવાની ખેડૂતોની રજૂઆતને સાંભળી હતી. જોકે સુનાવણી દરમિયાન જજોએ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાબતે સંદહે વ્યક્ત કર્યો હતો.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશને અરજદારોની કરી હતી તરફેણ
અગાઉ નીચલી કોર્ટે આ અંગે ચુકાદો આપતા જણાવ્યું હતું કે 1945ના કાયદા મુજબ આઈએફસીને આ પ્રકારની અરજીમાંથી મુક્તિ મળે છે. જોકે આ મુદ્દે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશને અરજદારોની તરફેણ કરતા જણાવ્યા હતું કે કોઈ પણ આંતરાષ્ટ્રીય સંસ્થાને એક ચોક્કસ મર્યાદાથી વધુ આઝાદી ન આપવી જોઈએ.
ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઈમ્યુનિટી એક્ટ અંતર્ગત મુક્તિ મળે છે કે કેમ તે એક સવાલ
હાલ અમુક શરતોમાંથી 1945ના ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઈમ્યુનિટી એક્ટ અંતર્ગત આઈએફસીને મુક્તિ મળે છે કે કેમ તે એક સવાલ છે. કારણ કે વિદેશી દેશોને 1976નો જે લો છે તે અંતર્ગત ફોરેન સોવરજિયન ઈમ્યુનિટી એક્ટ પણ લાગુ પડે છે. આ કેસમાં 9 જજો પૈકીના એક જજે ભાગ લીધો ન હતો. જોકે આ કેસમાં જજ બ્રેટ કેવાનુગ હાજર રહ્યાં હતા. તેમની નિમણૂંક ટ્રમ્પે કરી હતી. તેઓ તેમના અગાઉના રોલમાં એટલે કે ફેડરલ અપીલ કોર્ટ જજ તરીકે હાજર રહ્યાં હતા.