નવા વર્ષે મહેમાનોને ત્યાં જઈએ ત્યારે મોટા ભાગે ડ્રાયફ્રૂટ્સ અને માવાની મીઠાઈઓ જ ડિશમાં ધરવામાં આવતી હોય છે.
મોટા ભાગે તહેવારોના સમયમાં મળતી કાજુકતરીમાં ખરેખર કેટલાં કાજુ હશે અને માવાની બરફીમાં ખરેખર સાચો માવો વપરાયો હશે કે નહીં એ મોટો સવાલ થાય. વળી દરેકના ઘરે એક જ પ્રકારની મીઠાઈઓ જોઈને આપણે પોતે જોવાથી જ ધરાઈ જઈએ છીએ તો આપણા મહેમાનોને પણ એવું જ થતું હશેને? તો આવો આજે સહેલાઈથી બની જાય એવી બંગાળી મીઠાઈઓ કેવી રીતે બનાવવી એ જોઈએ. હા, આ મીઠાઈઓ ડ્રાયફ્રૂટ્સ કે માવાની જેમ લાંબી ટકશે નહીં એટલે દિવાળીના આગલા દિવસે જ બનાવવી બહેતર રહેશે. થોડી મહેનત પડશે, પણ મહેમાનોને કંઈક હટકે સ્વીટ્સ ચખાડ્યાનો આનંદ પણ અનેરો હશે
રસગુલ્લા
સામગ્રી
એક લીટર ગાયનું દૂધ
અઢી કપ ખાંડ
આઠ કપ પાણી
ત્રણથી પાંચ ચમચી લીંબુનાં ફૂલનું પાણી
બનાવવાની રીત
દૂધ ગરમ કરી રાખો. ઊભરો આવે એટલે લીંબુનાં ફૂલનું પાણી ધીમે-ધીમે ઉમેરીને હલાવો. દૂધ બરાબર ફાટી જાય અને ફોદા થવા માંડે એટલે પાતળી ગળણીથી પનીર અલગ તારવી લો.
પનીરને પાણીથી ધોઈ લો અને પછી એક કપડામાં મૂકીને પાંચથી સાત મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી દો.
બહાર કાઢીને એમાં એક ચમચી ખાંડ નાખીને મિક્સરમાં અટકી-અટકીને ફેરવો. એકધારું પીસવાનું નથી, બે-ચાર વાર સહેજ ફેરવીને અટકાવી દેવાનું છે. ખાંડને પનીરમાં સ્ટફ કરીને બરાબર મેળવી લો અને એના નાના બૉલ્સ બનાવો. બીજી તરફ બાકીની ખાંડમાં પાણી નાખીને ચાસણી બનાવો. ખાંડ ઓગળી જાય એટલે ચાસણીમાં કચરો હોય તો એ કાઢી લો અને પછી પનીરના બૉલ્સ એમાં નાખી દો. ઢાંકણ ઢાંકીને મીડિયમ આંચ પર દસ મિનિટ સુધી ઉકાળો. બસ આ બૉલ્સને સાતથી આઠ કલાક ચાસણીમાં રહેવા દો અને પછી સર્વ કરો.