પંજાબના માનસામાં મોટી બબાલ થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ખેડૂતો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણમાં અનેક પોલીસકર્મી ઘાયલ થયા છે. પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કરતાં તેના જવાબમાં ખેડૂતોએ પણ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. હિંસક અથડામણમાં ત્રણ પોલીસ મથકના અધ્યક્ષ અને અનેક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એક એસ.એચ.ઓના બંને હાથ તૂટી ગયા છે. બીજી તરફ ખેડૂતો પણ ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. તમામ ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
ગેસ પાઇપલાઇનને લઈને ચાલી રહ્યો છે વિવાદ :
કહેવામાં આવી રહ્યું છે કે માનસાના લેલેવાલા ગામમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ અધિકારીઓ સહિત ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ખેડૂતોએ મનસાથી લઈને લેલેવાલા સુધી માર્ચ કાઢતાં તણાવ વધી ગયો હતો. ગુજરાત ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને લઈને ખેડૂતોની સરકાર સાથે અસહમતિ છે. પોલીસનું કહેવું છે કે જ્યારે ખેડૂતો ઉત્તેજિત થઈ ગયા તો લાઠીચાર્જ કરવો પડ્યો. એસએચઓ ભીખીને ગંભીર ઈજા પહોંચી છે. તેના બંને હાથમાં ગંભીર ઈજા પહોંચી છે. અથડામણ દરમિયાન અન્ય બે પોલીસકર્મી સહિત ઘણા પોલીસ અધિકારીઓને ઇજા પહોંચી છે. આ ઘટના મોડી રાતની છે. પોલીસના અનુસાર હાલ ઘટનાસ્થળે શાંતિનો માહોલ છે. આ વિસ્તારમાં હજુ પોલીસ તૈનાત છે. તમામ ઈજાગ્રસ્તોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્તોની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બજરંગ પૂનિયાનું કહેવું છે કે હરિયાણા સરકાર ખેડૂતોને દિલ્હી જતાં રોકી રહી છે.