NEETની પરીક્ષા અંગે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે. સીજેઆઇ ચંદ્રચૂડે કહ્યું કે પેપર લીક વ્યાપક સ્તરે થયું નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી હવે આગળથી ધ્યાન રાખે. આ પ્રકારની બેદરકારીથી બચે. સીજેઆઇએ આટલું કહેતાં જ ફરીવાર નીટની પરીક્ષા યોજવાની માગ કરતી અરજીઓ ફગાવી દીધી હતી.
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો આપી દીધો છે. કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે પેપર લીકની અસર હજારીબાગ અને પટના સુધી જ મર્યાદિત છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક થતું રોકવા માટે સ્ટોરેજ માટે SOP તૈયાર કરવાની જવાબદારી સરકાર અને NTAની છે. સીજેઆઇએ સુનાવણી દરમિયાન કહ્યું કે અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે પેપર કોઈ સિસ્ટમેટિક રીતે બ્રીચ નહોતું થયું. લીકની ઘટના ફક્ત પટણા અને હજારીબાગ સુધી જ મર્યાદિત હતી. અમે એનટીએની માળખાકીય પ્રક્રિયાઓમાં તમામ ખામીઓ શોધી કાઢી છે. વિદ્યાર્થીઓનું સારું ઇચ્છતા અમે તેને સાંખી નહીં લઈએ.
આ પણ વાંચો : રિટર્નમાં કમાણી છુપાવવા પર હવે કુલ આવકના 60 ટકા ટેક્સ ચૂકવવો પડશે, વ્યાજ-પેનલ્ટીમાંથી મુક્તિ
સીજેઆઇએ આ મામલે ચુકાદો સંભળાવતા કહ્યું કે હવેથી પેપરને ઓપન ઈ-રિક્ષામાં લઈ જવાની જગ્યાએ રિયલ ટાઇમ ઇલેક્ટ્રોનિક લૉક સિસ્ટમ સાથે બંધ વાહનમાં મોકલવાની વ્યવસ્થા પર વિચારવામાં આવે. સમિતિ વિદ્યાર્થીઓની માનસિક હાલતમાં સુધારો કરવાના કાર્યક્રમની યોજનાઓ અંગે ભલામણ કરે. આ સાથે વિદ્યાર્થીઓ પર થયેલી માનસિક અસરનું આકલન પણ કરે. આ સાથે સમિતિને એનટીએના સભ્યો, પરીક્ષકો, કર્મચારીઓ વગેરેની ટ્રેનિંગની વ્યવહારિતા પર વિચાર કરવાનું સૂચન કરાયું જેથી પરીક્ષાની અખંડતાને સારી રીતે સંભાળી શકાય.