આગામી નાણાકીય વર્ષ 2019 અને 2020ના નાણાંકીય વર્ષ માટે સંપૂર્ણ બજેટ રજુ નહીં થાય પરંતુ તેને બદલે માત્ર ચાર મહિનાનું બજેટ એટલે કે લેખાનુદાન રજૂ થશે. ગુજરાત સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાનું બજેટ સત્ર બોલાવાતું હોય છે. જેમાં નવા નાણાકીય વર્ષ માટેનું સંપૂર્ણ બજેટ ગ્રહની અંદર રજૂ કરાતું હોય છે પરંતુ આગામી માર્ચ એપ્રિલમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેનું જાહેરનામું પણ ફેબ્રુઆરી મહિનામાં બહાર પડી શકે છે.
લોકસભાની ચૂંટણી થવાની સ્થિત હોવાને કારણે ગુજરાત સરકારે પણ આ વર્ષે આગામી નાણાકીય વર્ષ માટેનું સંપૂર્ણ બજેટ રજૂ કરવાને બદલે ચાર મહિના માટેનું લેખાનુદાન રજૂ કરવાનું નક્કી કર્યું છે. લોકસભાની ચૂંટણી સંપૂર્ણ થયા બાદ ગુજરાત સરકાર વિધાનસભાનું સત્ર ફરીથી બોલાવશે. જેમાં બાકી રહેલા બીજા આઠ મહિનાનું બજેટ રજૂ કરાશે. ફેબ્રુઆરી મહિનામાં જે બજેટ સત્ર મળશે તે ખુબ જ ટૂંકુ એટલે કે માત્ર 6થી 7 દિવસનું જ રહેશે. જેમાં કુલ સાતથી આઠ બેઠકો મળવાની શક્યતાઓ છે.
લોકસભાની ચૂંટણીની આચાર સહિતા લાગુ પડતી હોવાથી સરકાર આખા વર્ષના બજેટ ને બદલે માત્ર ચાર મહિનાનું બજેટ રજૂ કરે છે જેથી ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ ન થાય ગુજરાતના નાણાં ખાતાના ટોચના અધિકારીઓ જણાવે છે કે હાલમાં અમે સરકારના તમામ વિભાગો પાસેથી તેમને કેટલું બજેટ જોઈએ છે તેની સંપૂર્ણ માહિતી મગાવી છે એટલું જ નહીં ચાલુ વર્ષના બજેટ દરમિયાન જે તે વિભાગોને ફાળવવામાં આવેલા બજેટમાંથી કેટલો ખર્ચ થયો કેટલો બાકી છે.
આગામી સમય માટે કેટલો ખર્ચ થશે તેની ઝીણામાં ઝીણી વિગતો મેળવાઇ રહી છે. હાલમાં જુદા જુદા વિભાગોના સચિવો તથા અન્ય અધિકારીઓ સાથે આગામી નાણાકીય વર્ષ માટેના બજેટના સંદર્ભમાં મિટિંગ કરીને ચર્ચા શરૂ કરાઈ છે.