ગુજરાતમાં કોલ્ડવેવ : ડીસા સૌથી વધુ ૭.૬ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું : અમદાવાદમાં ૧૨.૧ ડિગ્રી

0
44
madhya gujarat coldwave in
madhya gujarat coldwave in

અમદાવાદમાં ૧૧ કિમીની ઝડપે પવન ફૂંકાતા દિવસે પણ કડકડતી ઠંડી અનુભવાઇ
ડીસામાં ઠંડીએ ત્રણ વર્ષનો રેકોર્ડ તોડયો : ૬ શહેરમાં તાપમાન ૧૩ ડિગ્રીથી નીચે : ઠંડીનું જોર હજુ વધશે
અમદાવાદ, રવિવાર

અમદાવાદ સહિત રાજ્યભરમાં શિયાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૃ કરતાં ગાત્રો ગાળી દે તેવી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદમાં રાત્રિનું સરેરાશ લઘુત્તમ તાપમાન ૧૨.૧ જ્યારે દિવસ દરમિયાનનું સરેરાશ મહત્તમ તાપમાન ૧૨.૧ ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ ૭.૬ ડિગ્રી સાથે ડીસામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી.

અમદાવાદમાં ૧૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા સવારથી જ ઠંડીની ધમાકેદાર ‘બેટિંગ’ જાણે શરૃ થઇ ગઇ હતી. સરેરાશ મહત્તમ તાપમાનનો પારો ૨૫ ડિગ્રીથી નીચે ગગડતાં શહેરીજનો દિવસે પણ ઠંડીમાં ઠુંઠવાયા હતા. અમદાવાદમાં સામાન્યની સરખામણીએ સરેરાશ મહત્તમ તાપમાનમાં ૪.૬ ડિગ્રીનો અને સરેરાશ લઘુત્તમ તાપમાનમાં ૧.૨ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ૧૧ ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો રહેશે.

ડીસામાં ૭.૬ ડિગ્રી સાથે ડિસેમ્બરમાં પડતી ઠંડીએ ત્રણ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. અગાઉ ડીસામાં ૧૪ ડિસેમ્બર ૨૦૧૭ના ૧૦.૭, ૨૬ ડિસેમ્બર ૨૦૧૬ના ૧૦.૭, ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ના ૮.૧ જ્યારે ૧૫ ડિસેમ્બર ૨૦૧૪ના ૭.૩ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. ઠંડીનું પ્રમાણ ઉત્તર ગુજરાત, કચ્છમાં વધારે જોવા મળ્યું હતું. રાજ્યના ૬ શહેરમાં ઠંડીનો પારો ૧૩ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘હાલ ગુજરાતમાં પૂર્વ દિશાનો પવન છે. આગામી ચાર દિવસ પણ કચ્છ, ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ રહી શકે છે. ‘

ગુજરાતમાં ક્યાં વધારે ગરમી?

ડીસા ૭.૬

ગાંધીનગર ૧૧.૨

ભૂજ ૧૧.૪

અમદાવાદ ૧૨.૧

નલિયા ૧૨.૪

વડોદરા ૧૨.૮

વલ્લભવિદ્યાનગર ૧૩.૧

વલસાડ ૧૩.૧

સુરેન્દ્રનગર ૧૩.૫

રાજકોટ ૧૪.૩

ભાવનગર ૧૬.૦

સુરત ૧૭.૮