– નાસાની ચંદ્રા એક્સ – રે ઓબ્ઝર્વેટરીનો રેડ સિગ્નલ
– ચાર સુપરનોવાનું રેકોર્ડિંગ પણ થયું છે : વિશાળ જીવ સૃષ્ટિનો વિનાશ થઇ શકે
વોશિંગ્ટન/ મુંબઇ : પૃથ્વી પર અનંત અને અફાટ બ્રહ્માંડમાંથી જબરું જોખમ ઝળુંબી રહ્યું છે. આ જોખમ છેપૃથ્વીથી લગભગ ૧૦૦ પ્રકાશ વર્ષના અતિ અતિ દૂરના અંતરે થયેલા ૩૧ સુપરનોવા(સૂર્યના કુલ દળ કરતાં૧૦ ગણું વધુ દળ ધરાવતા મહાકાય તારાનું મૃત્યુ થાય અને જે કલ્પનાતીત વિસ્ફોટ થાય તે પ્રક્રિયાને ખગોળશાસ્ત્રીની ભાષામાં સુપરનોવા કહેવાય છે)ના મહાવિસ્ફોટમાંથી બહાર ફેંકાતા જીવલેણ -ઘાતક એકસ -રે છેક પૃથ્વી સુધી આવી શકે છે. એક્સ -રેમાંના કિરણોત્સર્ગની ભયાનક અસરથી પૃથ્વી અને તેના જેવા અન્ય ગ્રહો પર મહાવિનાશ સર્જાઇ શકે.
અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ની બ્રહ્માંડમાં ઘુમતી ચંદ્રા એક્સ -રે ઓબ્ઝર્વેટરી દ્વારા થયેલા નિરીક્ષણની વિગતો દ્વારા આ માહિતી મળી છે.
આ સુપરનોવામાંથી બહાર ફેંકાયેલાં એક્સ -રેઝ કદાચ પણ પૃથ્વી સુધી પહોંચે તો પૃથ્વી પર હસતીરમતી વિશાળ અને સુંદર જીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે જોખમ સર્જાઇ શકે.માનવજાત સહિત પ્રાણીઓ,પક્ષીઓની અસંખ્ય પ્રજાતિઓના વિનાશનું જોખમ સર્જાઇ શકે. ચિંતાજનક બાબત તો એ છે કે સુપરનોવાના અતિ ભયાનક વિસ્ફોટમાંથી બહાર ફેંકાતા એક્સ -રેઝ ઘણાં વરસ સુધી અફાટ અંતરીક્ષમાં ફેલાતાં રહીને છેક પૃથ્વી સુધી પણ આવી શકે છે.
અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ની આધુનિક ચંદ્રા એક્સ -રે ઓબ્ઝર્વેટરી(ભારતીય-અમેરિકન નોબેલ પારિતોષિક વિજેતા ખગોળશાસ્ત્રી સુબ્રહ્મણ્યન ચંદ્રશેખરની સ્મૃતિમાં નાસાએ તેની એક્સ -રે વેધશાળાનું નામ ચંદ્રા એક્સ -રે ઓબ્ઝર્વેટરી રાખ્યું છ) દ્વારા મળેલી માહિતી અને ઇમેજીસ(છબી) દ્વારા આવી ચિંતાજનક વિગતો જાણવા મળી છે.
નાસાની ચંદ્રા એક્સ –રે ઓબ્ઝર્વેટરી દ્વારા મળેલી માહિતી અને ઇમેજીસનો અભ્યાસ કરીને અમેરિકાની ઇલ્લીનોઇસ યુનિવર્સિટીના ઇયાન બ્રન્ટન, કોન્નોર ઓમેહોની, બ્રાયન ફિલ્ડ્ઝ, કેન્સાસ યુનિવર્સિટીના એડ્રીયન મેલોટ્ટ, વોશબર્ન યુનિવર્સિટીના બ્રાયન થોમસ વગેરે ખગોળશાસ્ત્રીઓએ સંશોધનપત્ર રજૂ કર્યું છે. આ સંશોધનપત્ર એસ્ટ્રોફિઝિકલ જર્નલના ૨૦૨૩ના ૨૦,એપ્રિલના અંકમાં પ્રસિદ્ધ થયું છે.
આ સંશોધનપત્રમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે નાસાની ચંદ્રા એક્સ –રે વેધશાળાએ પૃથ્વીથી ૧૬૦ પ્રકાશ વર્ષ દૂરના અંતરે કુલ ૩૧ સુપરનોવાના મહા ભયાનક વિસ્ફોટની ઘટનાનું નિરીક્ષણ કર્યું છે. વળી, ચંદ્રા ઓબ્ઝર્વેટરીએ તો આ ૩૧માંના ચાર સુપરનોવાના મહા વિસ્ફોટની ઘટનાનું રેકોર્ડિંગ પણ કર્યું છે. આ ચારેય સુપરનોવામાંથી ભારે ઘાતક ગણાતા એક્સ -રે બહાર ફેંકાઇ રહ્યાં છે. આ ચારેય સુપરનોવાની સંજ્ઞા — એસએન ૧૯૭૯ સી , એસએન ૧૯૮૭ એ, એસએન૨૦૧૦ જેએલ, એસએન ૧૯૯૪૧ — છે.
આ સુપરનોવાના અતિ અતિ ભયંકર વિસ્ફોટમાંથી બહાર ફેંકાતાં એક્સ -રેઝની ઘાતક અસરથી તો પૃથ્વી ફરતેના કુદરતી સુરક્ષાકચવરૂપ ઓઝોન વાયુની વિશાળ ચાદરને પણ ભારે મોટું નુકસાન થાય.ઓઝોનની ચાદરમાં મોટાં મોટાં છીદ્રો થઇ જાય.ઓઝોનની ચાદર કદાચ પણ ફાટી જાય તો પેલા સુપરનોવામાંથી ફેંકાયેલાં એક્સ -રેઝ છેક પૃથ્વી સુધી આવીને મહાવિનાશ સર્જા શકે. જોકે સંશોધનની સુક્ષ્મ વિગતો દ્વારા એવો રાહતભર્યો સંકેત પણ મળે છે કે હાલના તબક્કે પૃથ્વી સુપરનોવાના મહાવિસ્ફોટની શક્યતામાંથી સલામત છે. આમ છતાં આપણી મિલ્કી વેમાંનાં પૃથ્વી જેવા લાગતા ગ્રહો સલામત નથી.
આ ખગોળશાસ્ત્રીઓએ તો પુરાવા સાથે કહ્યું છે કે આજથી લગભગ ૨૦ લાખ અને ૮૦ લાખ વર્ષ દરમિયાન પૃથ્વી નજીક સુપરનોવાના મહાવિસ્ફોટ થયા હતા. તે સુપરનોવા પૃથ્વીથી લગભગ ૬૫ અને ૫૦૦ પ્રકાશ વર્ષ દૂરના અંતરે હતા.