એજન્સી, નવી દિલ્હી
લોકસભા ૨૦૧૯ની ચૂંટણી યોજાય તે પહેલા કેન્દ્રની મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી સવર્ણ જાતિઓને અનામતનો લાભ આપવામાં નહતો આવી રહ્યો. પરંતુ આજે જ કેબિનેટની બેઠકમાં સવર્ણ જાતિઓને અનામત આપવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. મોદી સરકારના આ મહત્વના નિર્ણયથી સવર્ણ જાતિઓના ગરીબ અને આર્થિક રીતે પછાત પરિવારો માટે આ નિર્ણય ઘણો લાભકારક સાબિત થશે. નરેન્દ્ર મોદીની સરકારે લોકસભા ૨૦૧૯ની ચૂંટણી પહેલા આ જાહેરાત કરીને મતદાતાઓને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે.
સરકારના આ નિર્ણયથી સવર્ણ જાતિઓમાં આનંદનો માહોલ ફેલાઈ ગયો છે. આ પહેલા પણ સવર્ણ જાતિઓને અનામત મળે તે માટે ઘણા આંદોલનો થયા હતા. કેબિનેટમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સવર્ણોને શિક્ષણ અને નોકરીમાં જ આરક્ષણ આપવામાં આવશે. સરકાર આ સંબંધિત દસ્તાવેજોને કાલે સંસદમાં રજૂ કરશે. કેબિનેટની બેઠકમાં આર્થિક રીતે પછાત લોકોને ૧૦ ટકા આરક્ષણ આપવાની માંગને મંજૂર કરી દેવામાં આવી છે. એવામાં આરક્ષણન ૪૯ ટકાથી વધીને ૫૯ ટકા થઈ જશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીચે દર્શાવેલ લોકોને અનામતનો લાભ મળી શકશે.
- જે સવર્ણ પરિવારોની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી હશે તે પરિવારોને જ આરક્ષણનો લાભ મળી શકશે.
- જે સવર્ણો પાસે પાંચ હેક્ટરથી ઓછી ખેતીલાયક જમીન હશે તેવા લોકો આરક્ષણનો લાભ લઈ શકશે.
- જે સવર્ણ પરિવારો ૧૦૦૦ સ્ક્વેર ફૂટથી ઓછી જગ્યામાં બનેલા ઘરમાં રહેતા હોય
- જે સવર્ણો પાસે મ્યુનિસિપાલિટીની ૧૦૯ વારથી નાનો રહેણાક પ્લોટ હોય
- જે સવર્ણો પાસે બિન-સૂચિત મ્યુનિસિપાલિટી વિસ્તારમાં ૨૦૯ વારથી નાનો રહેણાક પ્લોટ હોય
આ અનામત આર્થિક રુપથી કમજોર સવર્ણોને આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે 2018 માં SC/ST એક્ટને લઈને જે પ્રકારે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના ફેસલો પલટી દીધો હતો તેનાથી સવર્ણો નારાજ હતા. માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે મોદી સરકાર સંસદમાં રજૂ કરી શકે છે. આપને જણાવી દઈએ કે મંગળવારે જ સંસદના શીતકાલીન સત્રનો અંતિમ દિવસ છે.
આપને જણાવી દઈએ કે મોદી સરકાર આ આરક્ષણ આર્થિક આધાર પર લાવી રહી છે જેની અત્યારે સંવિધાનમાં વ્યવસ્થા નથી. સંવિધાનમાં જાતિના આધાર પર આરક્ષણની વાત કરવામાં આવી છે ત્યારે આવામાં સરકાર આને લાગુ કરવા માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે. સરકારના આ નિર્ણયને લોકસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.
સરકાર આના માટે જલ્દી જ સંવિધાનમાં બદલાવ કરશે. આના માટે સંવિધાવનના અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં બદલાવ કરવામાં આવશે. બંન્ને અનુચ્છેદમાં બદવાન કરીને આર્થિક આધાર પર આરક્ષણ આપવાનો રસ્તો સ્પષ્ટ થઈ જશે.
આ સમાચાર બહાર આવતાં જ દેશભરના તેમ જ ગુજરાતના રાજકીય વર્તુળોમાં પ્રતિક્રિયાઓનો દોર શરુ થઈ ગયો
ભાજપના ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાએ કેન્દ્ર સરકારના આર્થિક અનામતના નિર્ણયને આવકાર્યો હતો.
એસપીજીના લાલજી પટેલે સરકારની આ જાહેરાતને આવકારી હતી. પરંતુ સાથે જ જણાવ્યું હતું કે અમારી મુખ્ય લડાઈ અનામત માટેની છે તે અમે ચાલુ જ રાખીશું.
જીગ્નેશ મેવાણીએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દલિત, ઓબીસી અને આદિવાસી સમાજને બંધારણીય રીતે પ્રાપ્ત થયેલી અનામતની જોગવાઇઓમાં કોઈ છેડછાડ કે હસ્તક્ષેપ ન થાય અને અન્ય કોઈપણ સમાજને અનામત મળે તે અંગે વ્યક્તિગત રીતે મારો કોઈ જ વાંધો નથી. પ્રશ્ન એ છે કે આ બાબત બંધારણીય રીતે ટકી શકે કે કેમ ?
આ પ્રતિક્રિયા આપતા પાટીદાર અનામત આંદોલનનાં પ્રણેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, આ એક રાજકીય નિર્ણય છે. આ પ્રકારની અનામત સંવૈધાનિક રીતે શક્ય નથી. આ માત્ર લોલીપોપ છે. આ માત્ર લોકસભાની ચૂંટણીલક્ષી નિર્ણય છે. માટે સરકારે જે કર્યું તે અયોગ્ય છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપ યુવા મોરચાનાં નેતા ઋત્વીજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ ખુબ જ અભુતપુર્વ અને ઐતિહાસિક ચુકાદો છે. કોંગ્રેસ માટે આ એક મોટો તમાચો છે. તેમણે અનામતનાં નામે માત્ર રાજનીતિ જ કરી છે. જ્યારે ભાજપની સરકારે સવર્ણોનો મુદ્દો ઉઠાવ્યો અને તેમને ન્યાય પણ આપ્યો.
આ અંગે પ્રતિક્રિયા આપતા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે, આર્થિક અનામત સંવૈધાનિક રીતે શક્ય નથી. ત્યારે સરકારે આ નિર્ણય કઇ રીતે લીધો તે એક મોટો સવાલ છે. આ માત્ર અને માત્ર ચૂંટણી લક્ષી નિર્ણય છે. જો કદાચ ખરડો પણ લાવે તો તે પાસ થાય અને તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થાય અને ગેઝેટમાં પ્રસિદ્ધ થાય તેમાં 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ત્યાં સુધીમાં 2019ની લોકસભા ચૂંટણી જતી રહે અને મોદી સરકાર ફરી એકવાર સત્તામાં આવી જાય. ત્યાર બાદ આ મુદ્દાને લટકાવી દેવામાં આવશે.