એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શનના અભાવે દર્દીઓની હાલત બગડી રહી છે. કોરોનાથી સાજા થયેલા પરંતુ મોટે ભાગે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો આ બ્લેક ફંગસનો શિકાર બની રહ્યા છે.
અમદાવાદ : કોરોનાની બીજી લહેરમાં મ્યુકરમાઇકોસિસ નામના રોગનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યનાં ચાર મહાનગરોની સિવિલ હૉસ્પિટલોમાં જ આના 1100થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. હાલ અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં જ 470થી વધુ દર્દીઓ દાખલ છે. આ સાથે અહીં રોજની 20થી વધુ સર્જરી પણ થઇ રહી છે. અમદાવાદમાં કોરોનાની બીજી લહેરમાં એક બાજુ જ્યારે હવે કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોમાં મ્યુકરમાઈકોસિસની સમસ્યા જોવા મળી રહી છે. પરિણામે, સિવિલમાં આના 8 વોર્ડ આ શરૂ કરવામાં આવ્યાં છે જેમાં 6 વોર્ડ પ્રી ઓપેરિટિવ પેશન્ટ વોર્ડ છે જ્યારે બે વોર્ડ પોસ્ટ ઓપરેટિવ વોર્ડ છે. આ સાથે પાંચ ઓપરેશન થીયેટર વોર્ડ છે. સિવિલમાં 470થી વધુ દર્દીઓ મ્યુકરમાઈકોસિસની સારવાર માટે દાખલ છે. એવામાં દર્દીઓની સારવાર માટે જરૂરી ઈન્જેક્શનની પણ અછત દેખાઇ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ સિવિલમાં રોજના એક હજાર જેટલા ઈન્જેક્શનની જરૂરિયાત સામે સરકાર રોજના 100 જેટલા ઈન્જેક્શન પૂરા પાડે છે. આવી સારવારને કારણે દર્દીઓની સ્થિતિ કથળતી જાય છે અને મોતનો ખતરો પણ મંડાય છે. આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદીનું કહેવું છે કે, સિવિલમાં મ્યૂકરના 447 દર્દી દાખલ છે. બુધવાર દરમિયાન 26 જેટલી સર્જરી કરવામાં આવી હતી. સિવિલ કેમ્પસની ડેન્ટલ હોસ્પિટલમાં 60થી વધુ દર્દી છે, દર્દીઓનો ધસારો વધતાં ડેન્ટલમાં બીજું ઓપરેશન થિયેટર કાર્યરત્ કરી દેવાયું છે, જ્યાં રોજ સાતથી આઠ સર્જરી થઈ રહી છે. ઈન્જેક્શનની ભારે અછતના કારણે ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવારમાં મુશ્કેલી પડી રહી છે, કેટલાક તો સિવિલમાં ઈન્જેક્શન મળી રહેશે તેવી આશાએ આ સરકારી હોસ્પિટલે દોડી રહ્યા છે. એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શનના અભાવે દર્દીઓની હાલત બગડી રહી છે. કોરોનાથી સાજા થયેલા પરંતુ મોટે ભાગે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો આ બ્લેક ફંગસનો શિકાર બની રહ્યા છે. જૂની સિવિલમાં ત્રીજો માળ મ્યૂકર માટે ફાળવાયેલો છે, આ સિવાય 1200 બેડમાં પણ દર્દીઓ છે.