ભારત પહેલાં બ્રિટન અને સ્પેનમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર રાખવામાં આવ્યું હતું
કેન્દ્ર સરકારે સોમવારે વિદેશ જનારા લોકો માટે વેક્સિનેશનને લઈને નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. નવી SOP અંતર્ગત વિદેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ 28 દિવસ પછી ક્યારે પણ કોવિશીલ્ડનો બીજો ડોઝ લઈ શકશે. આ પહેલાં આ નિયમ 84 દિવસ(12-16 સપ્તાહ)નો હતો. દેશમાં રહેનારા લોકો માટે આ નિયમ લાગુ થશે નહિ. કેન્દ્રની નવી ગાઈડલાઈન્સ મુજબ વિદેશયાત્રા માટે માત્ર કોવિશીલ્ડ વેક્સિન લેનારાઓને વેક્સિનેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. વેક્સિનેશન સર્ટિફિકેટ પર પાસપોર્ટ નંબરનો ઉલ્લેખ અનિવાર્ય હશે. આ સુવિધા 18 વર્ષથી ઉપરના લોકો માટે છે જે 31 ઓગસ્ટ સુધીમાં વિદેશયાત્રા કરવા માગે છે. વિદેશયાત્રા કરનારને લઈને ઝડપથી વિશેષ વ્યવસ્થા CoWIN પ્લેટોર્મ પર પણ ઉપલબ્ધ થશે.કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે પ્રત્યેક જિલ્લામાં કોવિશીલ્ડનો બીજો ડોઝ આપવા માટે અધિકારી નીમવામાં આવે. આ અધિકારી એ તપાસ કરશે કે પ્રથમ રસીની તારીખ પછી 28 દિવસનો સમય પૂર્ણ થયો છે કે કેમ, સાથે જ આ અધિકારી વિવિધ ડોક્યુમેન્ટ્સના આધારે સંબધિત લોકોના યાત્રાના હેતુની વાસ્તવિકતા પણ તપાસશે.બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહન્સને સંકેત આપ્યા હતા કે G-7 સંમેલન દરમિયાન વેક્સિન પાસપોર્ટને લઈને સહમતી બનાવવાની કોશિશ કરવામાં આવી શકે છે. તેમનો પ્રસ્તાવ ઈન્ટરનેશનલ ટ્રાવેલને સરળ કરવાનો છે, જોકે એમાં હાલ ઘણી સમસ્યાઓ છે. ઘણા દેશ એવા પણ છે, જ્યાં હાલ પણ મેન્યુફેકચરિંગ કે પછી અન્ય સમસ્યાઓને કારણે વેક્સિનેશન ગતિ પકડી શક્યું નથી. લાગુ કરવામાં આવશે તો મુસાફરોને ક્વોરન્ટીનમાં છૂટ આપવામાં આવશે.