નવી દિલ્હી: જો તમે પર્સનલ કે કોમર્શિયલ વાહનનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા ઉપયોગના છે. સરકારે વાહનોની સ્ક્રેપ પોલિસી અંગે મહત્વની સમિટનું આયોજન કર્યું છે, જેને વડાપ્રધાન મોદી આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધશે. સમિટનો એજન્ડા વાહન સ્ક્રેપિંગનો મુદ્દો હશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરીને રોકાણકારોને આમંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી પ્રદૂષણ અને લોકો પરનો બોજ પણ ઓછો થાય.કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા આ સમ્મેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રોકાણકારો, ઉદ્યોગ નિષ્ણાતો, કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંબંધિત મંત્રાલયો સામેલ થશે. સરકારે સંસદમાં સ્ક્રેપ પોલિસીની જાહેરાત પહેલા જ કરી દીધી છે અને વર્તમાન સમિટ તે દિશામાં પહેલું પગલું માનવામાં આવે છે.15 અને 20 વર્ષ જૂનાં વાહનો સ્ક્રેપ એટલે કે ભંગાર કરવામાં આવશે. વ્યાપારી વાહનો માટે 15 વર્ષ અને ખાનગી વાહનો માટે 20 વર્ષનો સમય નક્કી કરાયો છે. નિર્ધારિત સમય બાદ વાહનોને ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર પર લઈ જવું પડશે. ખાનગી કંપનીઓ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરનું સંચાલન કરશે અને આ રોકાણકારોને આકર્ષવા પણ આ સમિટનો મોટો એજન્ડા છે.વાહન માલિકોને ઓછું આર્થિક નુકસાન થશે, આ સાથે, માર્ગ અકસ્માતો ઓછા થશે અને જીવન સલામત બનશે. નવા વાહનોમાં વધુ સુરક્ષા ધોરણોનું પાલન કરવામાં આવશે. જૂના વાહનોના સ્ક્રેપથી પ્રદૂષણ ઘટશે. બજેટમાં પણ નાણામંત્રીએ નવી સ્ક્રેપ પોલિસીનો ઉલ્લેખ કર્યો છે, વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે આગામી 5 વર્ષમાં 2 હજાર કરોડ ખર્ચવાનો લક્ષ્યાંક રાખ્યો છે.