રાજ્ય સરકારે નવરાત્રિને અનુલક્ષીને શેરી ગરબા અને સોસાયટી- ફ્લેટમાં યોજાતા ગરબાને 400 લોકોની મર્યાદામાં યોજવાની મંજૂરી આપતી જાહેરાત કર્યા બાદ ગૃહ વિભાગે તેની ડીટેઇલ ગાઇડલાઇન જારી કરી છે. જે મુજબ ગરબા અને દુર્ગાપૂજા, શરદ પૂર્ણિમા, દશેરા જેવા તહેવારોની ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇશે. તમામ સ્થળે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન થાય તેની તકેદારી માટે તમામ પોલીસ કમિશનર, કલેક્ટર અને એસપીને સૂચના આપવામાં આવી છે.પાર્ટી પ્લોટ, ક્લબ કે ખુલ્લી જગ્યામાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવા ઉપર રોક લગાવી છે. લગ્ન પ્રસંગ માટે 400 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે સાથે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની જોગવાઇ યથાવત રખાઇ છે. અન્ય તમામ સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક કાર્યક્રમો 400 વ્યક્તિઓની હાજરીમાં યોજી શકાશે, બંધ હોલમાં ક્ષમતાના 50 ટકાનું ધોરણ જાળવવું પડશે. કોચીંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસીસ અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ક્લાસિસ સ્થળની ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકશે.જીમ 75 ટકા કેપેસિટી સાથે ચાલું રહી શકશે. પબ્લિક અને પ્રાઇવેટ નોન એસી બસ 100 ટકા મુસાફરો બેસાડી શકશે જ્યારે એસી બસ 75 ટકા મુસાફરો સાથે ચલાવી શકાશે. સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના ચાલુ રાખી શકાશે. સિનેમાગૃહ, થિએટર, ઓડીટોરીયમ, મનોરંજક સ્થળો 60 ટકા કેપેસિટીમાં ચાલુ રહી શકશે. વોટર પાર્ક અને સ્વીમીંગ પુલ 75 ટકા કેપેસિટીથી ચાલુ રાખી શકાશે.સિનેમાહૉલ, વૉટરપાર્ક સહિત તમામ સેવાના માલિકો, સંચાલકો, કર્મચારીઓ અને તેમના સ્ટાફ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત કરવામાં આવ્યો છે. સરકારે જો કે હજુ સ્પા ચાલુ કરવાની મંજૂરી આપી નથી.