કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રાજસ્થાન ના પ્રવાસે છે. આજે અમિત શાહ જેસલમેરમાં બીએસએફ BSF સ્થાપના દિવસ કાર્યક્રમમાં સામેલ થયા. જેસલમેરમાં અમિત શાહે બીએસએફ જવાનોની પરેડની સલામી લીધી. બીએસએફ આજે પોતાનો 57મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ નિમિત્તે અમિત શાહે જવાનોને સન્માનિત પણ કર્યા.
BSF જવાનોને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, દેશના 35,000 જવાનોએ અલગ-અલગ સરહદો પર બલિદાન આપ્યા છે અને દેશની સરહદોને સુરક્ષિત બનાવી છે. બીએસએફના જવાનોએ સૌથી વધુ દેશ માટે બલિદાન આપ્યું છે. આ સૌથી મુશ્કેલ સરહદોની સુરક્ષા કરી રહી છે. હું આખા દેશ તરફથી અને આપણા વડાપ્રધાન તરફથી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.અમિત શાહે કહ્યું કે ડ્રોનના જોખમનો સામનો કરવા માટે સરકાર અને વૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે એન્ટી ડ્રોન ટેક્નોલોજી બનાવવા માટે બીએસએફ, એનએસજી (NSG), ડીઆરડીઓ (DRDO) મળીને પ્રયત્ન કરી રહ્યા છે. અમને વૈજ્ઞાનિકો પર પૂરો ભરોસો છે. થોડા જ સમયમાં અમે એન્ટી ડ્રોન ટેક્નોલોજી બનાવવામાં સફળ થશું અને ડ્રોનના ખતરાનો પૂરેપૂરો જવાબ આપશું.ગૃહ મંત્રીએ કહ્યું કે જ્યારે ઉરી અને પુલવામામાં હુમલો થયો ત્યારે ભારત સરકારે પીએમ મોદીના નેતૃત્વમાં મજબૂત રીતે જવાબ આપ્યો અને આખી દુનિયાને તેની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે કોઇપણ દેશ ત્યારે જ પ્રગતિ કરી શકે છે, જ્યારે ત્યાં સુરક્ષા કાયમ રહે. તેમણે કહ્યું કે કોઈ દેશ પોતાની સંસ્કૃતિને ત્યારે જ બચાવી શકે છે જ્યારે તે સુરક્ષિત હોય અને આપણા જવાનો દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં લાગ્યા છે.આ પહેલાં શનિવારે ગૃહ મંત્રી રાજસ્થાનમાં બીએસએફના એક પોસ્ટ પર પહોંચ્યા અને જવાનો સાથે વાત કરી. જેસલમેરની રોહિતાશ બોર્ડર આઉટ પોસ્ટ પર જઈને બીએસએફના જવાનોને મળ્યા અને તેમની વિવિધ પ્રવૃત્તિઓને વિસ્તારપૂર્વક જાણી. અમિત શાહે કહ્યું કે, આ રણ પ્રદેશની ભીષણ ગરમી અને કડકડતી ઠંડીમાં પણ દેશની સેવા અને સુરક્ષા પ્રત્યે તમારું સમર્પણ દરેક દેશવાસીને પ્રેરણા આપે છે. બીએસએફ પૂરી હિંમત અને સમર્પણ સાથે દેશની સરહદોને અભેદ્ય રાખવામાં પોતાનું સર્વોચ્ચ યોગદાન આપી રહ્યું છે.