રાયપુર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરનાર કાલીચરણ મહારાજની રાયપુર પોલીસે MPથી ધરપકડ કરી છે. રાયપુર પોલીસે એમપીના ખજુરાહોની એક હોટલમાંથી કાલીચરણની ધરપકડ કરી છે. રાયપુર પોલીસ બપોર સુધીમાં કાલીચરણને લાવશે. રાયપુરમાં કાલીચરણ વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાયબર સેલના પ્રભારી અભિષેક મહેશ્વરીએ કાલીચરણ મહારાજની ધરપકડની પુષ્ટિ કરી છે. કાલીચરણ મહારાજની અભદ્ર ટિપ્પણીને લઈને ભારે હોબાળો થયો છે. આ સાથે જ રાજકારણ પણ ગરમાયું છે.થોડા દિવસો પહેલા છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત ધર્મસંસદનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અકોલાના કાલીચરણ મહારાજ મહાત્મા ગાંધીને અપશબ્દો બોલી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે, કાલીચરણ મહારાજ મહાત્મા ગાંધી માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમની હત્યા કરનાર નાથુરામ ગોડસેનાં વખાણ કરી રહ્યાં છે. જોકે, વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે, ધર્મસંસદમાં હાજર કેટલાક લોકો તેમના ભાષણ પર તાળીઓ પાડી રહ્યા છે.રાયપુર નગરપાલિકાના અધ્યક્ષ અને કોંગ્રેસ નેતા પ્રમોદ દુબેની ફરિયાદ બાદ સ્થાનિક પોલીસે કાલીચરણ મહારાજ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ધર્મગુરુ કાલીચરણ મહારાજે કહ્યુ હતુ કે, નાથુરામ ગોડસે ગાંધીજીની હત્યા કરીને યોગ્ય પગલુ ભર્યુ હતુ. ઈસ્લામનો હેતુ રાજનીતિના માધ્યમથી દેશ પર કબ્જો જમાવવાનો છે. 1947માં આપણી આંખો સામે આવુ બન્યુ હતુ. આ પહેલા ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાનના આ જ હાલ થયા હતા. હું ગોડસેને સલામ કરુ છું કે, તેણે ગાંધીજીની હત્યા કરી હતી.કાલીચરણ મહારાજનું શિવતાંડવ સ્તોત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. ત્યારે સૌપ્રથમ ચર્ચામાં આવ્યા હતા. તેમનું મૂળ નામ અભિજિત સરગ છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના છે અને શિવાજીનગરના ભવસર પંચ બંગલા વિસ્તારમાં રહે છે.