અમદાવાદ, ભારતનાં ઉત્તર પૂર્વ વિસ્તારમાં કાતિલ ઠંડી પડતા તેની અસર ગુજરાતનાં શહેરોમાં વર્તાઇ રહી છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત્ રહેતાં 9 શહેરમાં 10 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયા 4.8 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું છે જ્યારે ગાંધીનગરમાં 5.5 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો રહ્યો છે. હજુ રાજ્યમાં આગામી બે દિવસ કાતિલ ઠંડીનું પ્રભુત્વ યથાવત્ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ,કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત્ રહેશે અને જેને પગલે ત્યાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. આગામી ૩ દિવસ બાદ સરેરાશ લઘુતમ તાપમાન ૨-૩ ડિગ્રી સુધી ઘટતાં ઠંડીમાં ઘટાડો થશે. ગત રાત્રિએ નલિયામાં 4.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૬ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 30 જાન્યુઆરી સુધી નલિયામાં 10 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે.
અમદાવાદમાં 8.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો અને ૨૫.૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 10 ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાન નોંધાઇ શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 31 જાન્યુઆરી સુધી સરેરાશ લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી રહે તેની સંભાવના છે.
રાજ્યમાંથી અન્યત્ર જ્યાં 10 ડિગ્રીથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું તેમાં ડીસા, પાટણ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, કંડલાનો સમાવેશ થાય છે. રાજકોટમાં 8.6 ડિગ્રી સાથે છેલ્લા બે વર્ષમાં જાન્યુઆરીનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 16 જાન્યુઆરી 1935ના માત્ર 0.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે જાન્યુઆરીમાં નોંધાયેલી સૌથી વધુ ઠંડીનો રેકોર્ડ છે.