મુંબઇ : ભારતના ગારમેન્ટ નિકાસકારો સાથે વૈશ્વિક કંપનીઓ અને ખરીદદારો નવેસરથી ભાવતાલ કરવા માટે દબાણ કરી રહ્યા છે. ડોલર સામે સતત ઘટી રહેલું રૂપિયાનું મૂલ્ય અને કપાસના ભાવમાં નરમાઇનું કારણ આગળ ધરીને વૈશ્વિક એપેરલ કંપનીઓ ભારતીય નિકાસકારોને કોરોના મહામારી પૂર્વેના ભાવે ગારમેન્ટ્સની સપ્લાય કરવા જણાવી રહી છે. અમેરિકામાં અને યુરોપમાં તોળાઈ રહેલા મંદીના પગલે વૈશ્વિક બ્રાન્ડોને ભારતીય નિકાસકારો પર ભાવતાલ મામલે દબાણ કરવાનો મોકો મળ્યો છે. તો બીજી બાજુ ભારતીય નિકાસકારો પણ જાપાન, ઓસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકા જેવા અન્ય દેશોમાં નવા એક્સપોર્ટ્સ માર્કેટ શોધવા તરફ ધ્યાન કેન્દ્રીત કરવાનુ શરૂ કર્યું છે. એપેરલ એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ (એઇપીસી)ના ચેરમેન નરેન્દ્ર ગોયેન્કાએ જણાવ્યુ કે, કપાસના ભાવ રૂ. ૧ લાખ પ્રતિ કેન્ડી (૩૬૫ કિગ્રાની એક કેન્ડી)ના ઐતિહાસિક ઉંચા સ્તરેથી લગભગ ૧૫ ટકા જેટલા ઘટી ગયા છે, અને આગામી સમયમાં વધુ ઘટશે. કોટનના ભાવ ઘટવાથી ગ્લોબલ બ્રાન્ડોએ ભાવ મોરચે વાટાઘાટો શરૂ કરી છે અને કોરોના મહામારી પૂર્વેના ભાવે માલ વેચવા દબાણ કરી રહ્યા છે.ડોલર સામે રૂપિયો નબળો પડયો હોવાથી વિદેશી ખરીદદારો કપડાના ભાવ ઘટાડવા માટે સખત સોદાબાજી કરી રહ્યા છે. ડૉલર ઇન્ડેક્સમાં વૃદ્ધિ અને આર્થિક ચિંતાઓને લીધે મંગળવારે યુએસ ડૉલર સામે રૂપિયો નબળો પડીને ૭૯.૬૦ના નવા નીચા તળિયે ઉતરી ગયો હતો.ટેક્સટાઇલ નિકાસકારોનું કહેવુ છે કે, ડોલર સામે ભલે રૂપિયો પડયો હોય પરંતુ વૈશ્વિક કંપનીઓની માંગણી જેટલુ મોટું ડિસ્કાઉન્ટ આપી શકતા નથી કારણ કે કપાસના ભાવ ૨૦૧૯ના સ્તરે આવ્યા નથી. અમે હાલની વેચાણ કિંમતથી મહત્તમ ૧૫% જેટલુ ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. અમેરિકા અને યુરોપમાં મંદીની આશંકા વર્ષ ૨૦૨૩ની ગારમેન્ટ્સના ઓર્ડર અસર કરશે જેનું ઉત્પાદન અને નિકાસ આક્ટોબરથી માર્ચની વચ્ચે કરાય છે. આ વખતે નિકાસ ઓર્ડર ૧૦ ટકા ઘટવાની આશંકા છે, જેની સીધી અસર ચાલુ નાણાંકીય વર્ષના બીજા છમાસિક ગાળામાં દેખાશે. તેનો સીધો અર્થ એ છે કે, નાણાંકીય વર્ષ ૨૦૨૩ માટે ૧૯ અબજ ડોલરની ગારમેન્ટ નિકાસનો લક્ષ્ય ચૂકી જવાશે, ભારતે નાણાંકીય વર્ષ ૨૦૨૨માં ૧૬ અબજ ડોલરના વસ્ત્રોની નિકાસ કરી હતી.