નવી દિલ્હી : વિશ્વ માટે આર્થિક વૃદ્ધિના હવેના તબક્કાના સંદર્ભમાં ભારત તરફ નજર દોડાવવી મહત્વનું બની રહેશે. ભારતનો ગ્રાહક અને ભારતીય ઉદ્યોગ સંસ્થાઓની મેન્યૂફેક્ચરિંગ ક્ષમતાઓ વૈશ્વિક આર્થિક વૃદ્ધિને વેગ આપશે. આગામી કેટલાંક વર્ષો માટે ભારતીય મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્ર ઔદ્યોગિક ક્રાંતિના નવા ચેપ્ટરની શરૂઆત કરવા તૈયાર જણાય છે. હાલમાં ચાલી રહેવા જીઓપોલિટીકલ તણાવ, સપ્લાય સાઈડ અડચણો અને પશ્ચિમી દેશોમાં મંદીની ચિંતાઓ પાછળ સ્થાનિક અર્થતંત્ર એકાદ-બે વર્ષ માટે ઊંચા વૃદ્ધિ દરથી વંચિત જોવા મળી શકે છે પરંતુ ત્યારબાદ તે મોટી હરણફાળ ભરે તેવું લાગી રહ્યું છે. ભૌગોલિક રીતે જોઈએ તો યુએસ, બાંગ્લાદેશ, સિંગાપુર, મધ્ય-પૂર્વ, યૂકે, જર્મની અને બેલ્જિયમ ભારત માટે સૌથી મોટા નિકાસ સ્થળો તરીકે ઉભર્યાં છે. વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી નિકાસ તકોનો લાભ લેવા સ્થાનિક કેમિકલ્સ, ફાર્મા, ઈલે., ઓટો, ઈન્ડસ્ટ્રીઅલ મશીનરી અને ટેક્સટાઈલ ઉદ્યોગો નવી ઉત્પાદન ક્ષમતાઓ ઊભી કરી રહ્યાં છે. કોવિડ બાદ ચાઈના+1 સ્ટ્રેટેજીથી સપ્લાયને ડાયવર્સિફાઈડ બનાવવાના ભાગરૂપે ભારત એક આકર્ષક માર્કેટ બન્યું છે. કેમિકલ નિકાસ સંભવિતતાઓને વેગ આપવા માટે આગેવાની એગ્રોકેમિકલ્સ અને સ્પેશ્યાલિટી કેમિકલ્સ સેક્ટર લે તેવું જણાય રહ્યું છે. આ સેક્ટર માટે ઈન્ટરનેશનલ માર્કેટને હાથવગુ કરવા માટે આરએન્ડડી ક્ષમતાઓ અને ઊચ્ચ ગુણવત્તાસભર ઉત્પાદન મહત્વના ચાલક બળો છે. ચીન ખાતે ફર્ટિલાઈઝરના ઊંચા સ્થાનિક વપરાશ તથા નિકાસ પર નિયંત્રણોને કારણે ભારતીય કંપનીઓના ગ્રોથ ડાયનેમિક્સ મજબૂત બની રહ્યાં છે. ઓટોમોટીવઃ ફાર્મ ઈક્વિપમેન્ટ અને ઈવી કોમ્પોનેન્ટ્ મેન્યૂફેક્ચરર્સ ઓટોમોટીવ સેક્ટરની વૃદ્ધિને નવી ઊંચાઈએ લઈ જશે. અર્થતંત્રને 5 ટ્રિલીયન ડોલર પર લઈ જવા માટે મેન્યૂફેક્ચરિંગ સેક્ટરનું યોગદાન અનિવાર્ય છે. પ્રાઈવેટ ઈક્વિટીઝ તેમના ફંડ્સને ટેકનોલોજીથી કોર મેન્યૂફેક્ચરિંગ તરફ તબદિલ કરી રહ્યાં છે. ભારતીય શેરબજારમાં હાલમાં ઊંચા વેલ્યૂએશન્સ અને અપેક્ષાથી નીચા આર્થિક વૃદ્ધિ દરને કારણે વિદેશી સંસ્થાઓ તરફથી 1-2 ક્વાર્ટર્સ માટે આઉટફ્લો ચાલુ રહી શકે છે.